અંકલેશ્વર, તા.૩૦
વાલિયા મામલતદાર કચેરી ખાતે સરકારનાં કપાસ લેવાના ધારાધોરણ બદલાવનાં વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ રાકેશ વસાવાની આગેવાનીમાં એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વાલિયાનાં ખેડૂતોએ પકાવેલ કપાસની ખરીદી લધુત્તમ પાયે ચાલુ હોય આ વિસ્તારનાં ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. અહીં વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, ડેડીયાપાડા, માંગરોળ, સાગબારાનાં ખેડૂતો અત્યંત ગરીબી અને પછાત વિસ્તારમાં વસવાટ કરતાં હોય છે. તેમની પાસે કપાસનું વાવેતર કરી તેના સંગ્રહ માટે ગોડાઉનની પણ વ્યવસ્થા નથી હોતી. આથી આ ખેડૂતો કપાસ વેચવા માટે ભારતીય કપાસ નિગમ લિમિટેડ કપાસ લે તો એ.પી.એમ.સી.નાં માધ્યમથી ખેડૂતોને કપાસ વેચાણમાં વધુને વધુ સારા ભાવ મળી રહે અને કપાસની ખરીદી વધારવા વાલિયા મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે કોંગ્રેસ પ્રમુખ રાકેશ વસાવા, યુવા કોંગ્રેસ મહામંત્રી સુરેન્દ્રસિંહ અટોદરિયા, સુધીરસિંહ અટોદરિયા, રણજીતસિંહ અટોદરિયા, ધર્મેન્દ્રસિંહ મહિડા, બિપિનભાઈ વસાવા, હિતેન્દ્રસિંહ ખેર, અરવિંદભાઈ વસાવા સહિતનાં કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા.
(તસવીર : અયાઝ શેખ, અંકલેશ્વર)