(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૧
શહેરમાં કેટલીક શાળાઓ આરટીઇ હેઠળ ગરીબ બાળકોને એડમીશન નહીં આપતા આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વાલીઓએ હંગામો મચાવી મુક્યો હતો. જેમાં વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વડોદરા શહેર જિલ્લામાં આરટીઇ એકટ હેઠળ નવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનાં સમયે કેટલીક શાળાઓ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ઘસીને ના પાડી દેતાં હોઇ છે. વાલીઓ આજે આ શાળાનાં સંચાલકો સામે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજુઆત કરવા આવ્યા હતા. શહેરની મોટાભાગની મિશનરી શાળાઓમાં આરટીઇ હેઠળ એડમીશન આપવામાં આવતા નથી. જેને લઇને બે દિવસ પૂર્વે તાંદલજા વિસ્તારની બેસીલ સ્કૂલમાં વાલીઓએ હંગામો કર્યો હતો. જે બાદ અન્ય શાળાઓ મામલે પણ વાલીઓમાં વિરોધ વધવા પામ્યો હતો. જેમાં આજે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વાલીઓ રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં શાળાનાં પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા. જેથી વાલીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. રજુઆત કરવા પહોંચેલા વાલીઓને જિલ્લા શિક્ષણ અધિકારી હાજર નહીં મળતા ભારે વિરોધ કર્યો હતો. ઓફિસ બહાર ધરણામાં બેસી જઇ વાલીઓએ રોષ વ્યકત કર્યો હતો. આ મામલે પોલીસે વાલીઓને રોકતા વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું.