પાટણ, તા.૨
પાટણની કેટલીક સ્કૂલોના સંચાલકો દ્વારા ફીની કડક ઉઘરાણી કરી ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ આપવામાં નહીં આવે તેવા વિદ્યાર્થીઓને મેસેજ કરતાં રોષે ભરાયેલા વાલીઓએ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી આવેદનપત્ર આપ્યું હતું અને ધૂન બોલાવી આવી શાળાના સંંચાલકો સામે કડક પગલા ભરવા માંગણી કરી હતી અને જો ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આનોલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે તો કલેક્ટર કચેરીને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં આવેલી કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વાલીઓ પાસે કડક રીતે ફીની માંગણી કરવામાં આવી રહી છે. જે મામલે વિદ્યાર્થી સંગઠન દ્વારા અગાઉ ત્રણ વખત જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવી હતી છતાં શાળા સંચાલકો સામે પગલા નહીં ભરવા કેટલાક શાળાના સંચાલકો ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે તેવા વિદ્યાર્થીઓને મેસેજ કર્યા હતા. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો જેને પગલે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ, વિદ્યાર્થી યુવા સંગઠન, યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ કર્યોં હતો અને શાળા સંચાલકો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. આવેદનપત્ર આપી હાર્દિક પટેલ (અડિયા)એ જણાવ્યું હતું કે, પાટણની લોર્ડ કિષ્ના સહિત કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને તાત્કાલિક ફી ભરવા મેસેજ કરવામાં આવ્યા છે અને એવી ધમકી આપવામાં આવી છે કે, જો ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે. તેમણે કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને કરેલ મેસેજના સ્ક્રીન શોટ પણ બતાવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી કોરોના મહામારીને કારણે તમામ પ્રકારના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે જેને લઈ દરેકની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. સરકારે પણ ખાનગી શાળાઓના સંચાલકોને ફીની કડક ઉઘરાણી કરવી નહીં તેવો પરિપત્ર કર્યો છે. છતાં પાટણની કેટલીક ખાનગી શાળાઓ મનસ્વી રીતે ફીની માંગણી કરી રહી છે. જે કેટલે અંશે વાજબી છે ? તેવો સૂર વાલીઓ અને વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો.