(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૪
આણંદની એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ પાસેથી દેવગઢ બારીયા જેલમાંથી લોકડાઉન દરમિયાન ૧૩ ખુંખાર આરોપીઓને ભગાડી લઈ જનાર મુખ્ય સૂત્રધાર સહિત હત્યા, લૂંટ અને ચોરીઓના ૬૬થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ આંતર જીલ્લા ટોળકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડી તઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદની એલસીબી પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ પી. એ.જાદવ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે લુંટ, ધાડ અને ચોરીઓના વિવિધ ગુનાઓ આચરી કિશન ઉર્ફે કેશન અબરુભાઈ સંગોડ અને તેની ગેંગમાં કામ કરતો માજુ હીમાભાઈ ભાભોર બંને કાઠીયાવાડથી વાસદ થઈને હોળીનો તહેવાર ઉજવવા પોતાના વતનમાં જઈ રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન તારાપુર તરફથી આવેલી રીક્ષામાંથી કિશન ઉર્ફે કેશન અબરૂભાઈ સંગોડ, માજુભાઈ હીમાભાઈ ભાંભોર, મનુભાઈ મસુલાભાઈ મોહનીયા સહિત ત્રણ જણા ઉતરીને બસ સ્ટેન્ડ તરફ જતા પોલીસે તેઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા અને તેમની તલાસી લેતા તેમની પાસેથી રોકડ રકમ, કાંડા ઘડીયાળ, કટર અને છીણી મળી આવી હતી. જેથી પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતા તેઓએ રાજ્યમાં જુદા જુદા પોલીસ મથકની હદમાં હત્યા, લૂંટ અને ચોરીના ૬૬ જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમજ કિશન ઉર્ફે કેશને ગત લોકડાઉન દરમિયાન ૩૦-૪-૨૦૨૦ના રોજ દેવગઢ બારીયા જેલમાંથી તેના મિત્ર સહિત તેર જણાને ભગાડીને લઈ જવા યોજના બનાવી હતી અને તે યોજના અનુસાર તેર ખુંખાર આરોપીઓને ભગાડીને લઈ ગયો હતો. જેથી એલસીબી પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે. ડીવાયએસપી બી.ડી. જાડેજાએ કહ્યું હતું પકડાયેલા આરોપીઓએ ૨૮ જગ્યાએ ચોરીઓ કરી છે તેમજ ૧૭ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ છે અને અગાઉ ૨૧ ગુનાઓમાં પકડાયા હતા તેમજ કિશન ઉર્ફે કેશન ૫૦થી વધુ ગુનાઓમાં પકડાયેેલો આરોપી છે.
પકડાયેલી ટોળકી વિરૂદ્ધ ધાનપુર, દેવગઢબારીયા, દામાવાવ, વડોદરા, શહેર, ધ્રોલ, ગોંડલ, ધોળકા, માતર, રાજગઢ, કોઠ, જાંબુધોડા, ડભોઈ, કરજણ, હાલોલ, લીમખેડા, શહેરા, અમદાવાદનાં સોલા, કાલાવાડ સહિત વિવિધ પોલીસ મથકની હદમાં ચોરી અને લુંટનાં તેમજ આર્મસ એકટ હેઠળ ગુનાઓ આચરેલ છે.
વાસદ નજીકથી ધાડ, લૂંટ અને ચોરીના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલી આદિવાસી ટોળકી ઝડપાઇ

Recent Comments