(સંવાદદાતા દ્વારા)
પાટણ,તા.૧૭
પાટણ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ મહેર કરી અનરાધાર વરસતા શહેરના મહોલ્લા, પોળો સહિત મુખ્ય માર્ગોની હાલત બદતર બની છે. મગરના પીઠ સમાન બનેલા હિંગળાચાચરથી જુનાગંજ, જનતા હોસ્પિટલ માર્ગ, કસાવાડાથી મીરા દરવાજાનો માર્ગ, દોશીવટથી ગંજશહીદ પીરનો માર્ગ, કાલીબજાર, રાજકાવાડો, બુકડી તથા સાલવીવાડા સહિતના માર્ગો પર વરસાદી પાણીના કારણે ધોવાણ થતા માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડયા છે. જેને લઈ અહીંથી પસાર થતા વાહનચાલકો અંદર બેઠા બેઠા ડિસ્કો કરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વાહનો ખાડામાં પટકાતા નુકસાનગ્રસ્ત બન્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો દ્વિચક્રી વાહનચાલકો ખાડામાં પટકાઈ ઈજાગ્રસ્ત બન્યા હોવાના બનાવો પણ બન્યા છે. શહેરના મોટા ભાગના માર્ગો પર ચોમાસા પૂર્વે જ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટર મારફત વિવિધ ગ્રાન્ટોમાંથી પેવરનું કામ કરાવવામાં આવ્યું હતું. પરંતુ ટૂંકાગાળામાં જ પ્રથમ વરસાદે પેવર કરેલા માર્ગો પર ડામર અને કપચીનું ધોવાણ થતા માર્ગો બીસ્માર બન્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા તાકીદે આ બીસ્માર બનેલા માર્ગોનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.