અમદાવાદ,તા.૧૦
અમદાવાદ આરટીઓમાં તંત્રના અણઘડ આયોજન અને છાશવારે નીતનવા નિયમો અને ધાંધિયાના કારણે સામાન્ય લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. આરટીઓ તંત્રના ધાંધિયા અને વિગર વિચાર્યા નિયમોના કારણે વાહનચાલક નાગરિકો બિન્દાસ્ત રીતે લૂંટાઇ રહ્યા છે અને બિનજરૂરી ખર્ચાઓનો ભોગ બની રહ્યા છે. એચએસઆરપીનો નવો જે ફતવો આવ્યો છે તેને લઇને પણ વાહનચાલકોમાં રોષ છે કારણ કે, જૂની નબંરપ્લેટ કાઢી આપવાનો કર્મચારીઓ ઇન્કાર કરી રહ્યા છે, તેઓ એમ કહે છે કે, અમે તો માત્ર નવી એચએસઆરપી જ ફીટ કરી આપીએ. જેના કારણે નંબરપ્લેટ કાઢવા માટે વચેટિયાઓ બિલાડીના ટોપની જેમ આરટીઓ પ્રાંગણમાં અડીંગો જમાવીને બેસી ગયા છે અને તકનો ફાયદો ઉઠાવી વાહનચાલકોને મનફાવે એ પ્રકારે લૂંટી રહ્યા છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે, આરટીઓ સત્તાવાળાઓએ એચએસઆરપી મોબાઇલ એપ મારફતે ડોક્યુમેન્ટ્સ અને ફોટા અપલોડ કરવાની અને પ્રક્રિયા સરળ બનાવવાની જે મસમોટી જાહેરાત કરી હતી તે એપ જ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. એચએસઆરપીની આ મોબાઇલ એપ દિવસમાં કેટલોક સમય યોગ્ય રીતે કામ જ કરતી નથી, તો ડોક્યુમેન્ટ્સ કે ફોટ અપલોડ થતાં જ નથી. આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આરટીઓ કચેરીમાં છાશવારે નિયમો બદલાય છે અને તેની કોઇ આગોતરી કે હાથવગી જાણકારી નાગરિકો કે વાહનચાલકો સુધી પહોંચાડાતી નહી હોવાથી તેઓ ભારે હેરાનગતિ અને હાલાકીનો ભોગ બની રહ્યા છે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની સીસ્ટમમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. આરટીઓ તંત્રના આયોજનના અભાવને નિર્દોષ નાગરિકો બિનજરૂરી રીતે લૂંટાઇ રહ્યા છે. એસોસીએશનના મહામંત્રી ગઇકાલે એન્જિનીયરીંગના વિદ્યાર્થીના કડવા અનુભવને વર્ણવતા જણાવ્યું હતું કે, સ્નેહ ખજાનચી નામનો આ વિદ્યાર્થી ટુ વ્હીલરના કાચા લાયસન્સના આધારે ફોર વ્હીલરનું કાચુ લાયન્સ કઢાવવા આરટીઓ કચેરી પહોંચ્યો હતો, સાત-સાત કલાક સુધી બારીએ-બારીએ ભટકવા છતાં અને એક પછી એક અધિકારીઓ-કર્મચારીઓને મળવા છતાં તેને ફોર વ્હીલરનું કાચુ લાયસન્સ કાઢી આપવામાં આવ્યું ન હતું. આરટીઓ અધિકારીઓએ હાથ ઉંચા કરી દીધા હતા કે, નિયમ બદલાઇ ગયો છે. પરંતુ અગાઉ આવું હતું જ નહી. ટુ વ્હીલરના કાચા લાયસન્સ પરથી ફોર વ્હીલરનું કાચુ લાયસન્સ અપાતું જ હતું. તેનું કારણ છે કે, કોઇએ ટુ વ્હીલરનું કાચુ લાયસન્સ કઢાવ્યાના દસ દિવસ બાદ ધારો કે ફોર વ્હીલર શીખવાનું નક્કી કર્યું તો, તે કાર શીખવા માટે પણ તેને ફોર વ્હીલરના કાચા લાયસન્સની જરૂર પડે અને તે નિયમના પાલન માટે ખુદ નાગરિકો તૈયાર હોય તો આરટીઓ સત્તાવાળાઓ આવુ કાચુ લાયસન્સ કાઢી આપવાનો કેવી રીતે ઇન્કાર કરી શકે? એચએસઆરપીના મુદ્દે જણાવ્યું હતું કે, જો નાગરિકો જૂની નંબરપ્લેટ કઢાવીને એચએસઆરપી લગાવવા જાય તો રસ્તામાં પોલીસ હેરાન કરે અને તોડ કરે. જો જૂની નંબરપ્લેટ લગાવીને જાય તો આરટીઓના કર્મચારીઓ તે કાઢવાની ના પાડે છે, તેઓ કહે છે કે, અમે તો એચએસઆરપી લગાવી આપીએ, જૂની પ્લેટ ના કાઢીએ. આ તકનો ગેરફાયદો તોડબાજ તત્વો નિર્દોષ નાગરિકોને લૂંટીને લઇ રહ્યા છે.
વાહ રે ‘RTO’ નિયમો બદલાય અને નિર્દોષ લોકો આમ જ લૂંટાય

Recent Comments