(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૭
રાજ્યની ભાજપ સરકારના શાસનમાં વર્ષ ર૦૧૮-૧૯માં ગુજરાનો વિકાસલક્ષી ખર્ચમાં ૮.૯પ ટકાનો ઘટાડો થયો છે જ્યારે બિનવિકાસલક્ષી ખર્ચમાં ૮.૯પ ટકાનો વધારો થયો છે ત્યારે સરકાર લઈને આવેલી બજેટથી પ્રજાનો વિકાસ થાય તેવું લાગતું નથી. તેમજ રાજ્યનો વિકાસ દેવામાં ડૂબ્યો હોવાનો સણસણતો આક્ષેપ વિધાનસભા ગૃહમાં બજેટ પરની ચર્ચામાં કોંગી ધારાસભ્યોએ કર્યો છે. વિધાનસભામાં બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની આઉટ સેટીંગ લાયેબિલિટી વર્ષ ર૦૦૧માં રૂા.૪ર૭.૮૧ બિલિયન હતી. જે ૧૩ વર્ષમાં રૂા.ર૦પ૬.ર૯ બિલિયનના વધારા સાથે ર૦૧૪માં રૂા. ર૪૮૪.૧૦ બિલિયન થઈ છે. આંધ્રપ્રદેશમાં આ આંકડો વર્ષ ર૦૦૧માં રૂા.૪૧૮.૦૯ બિલિયનની સામે ર૦૧૪માં રૂા.૧૬૦૯.૦૦ બિલિયનનો છે, એટલે કે રૂા.૧૧૯૦.૯૧ બિલિયનનો વધારો થયો છે. જે દર્શાવે છે કે ગુજરાતનો વિકાસ દેવામાં ડૂબ્યો છે. ગુજરાતમાં વિકાસદરની વાસ્તવિકતા એ છે કે જીએસડીપી ઘટી રહ્યો છે. સર્વે ઓફ ઈકોનોમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ ર૦૧ર-૧૩થી ગુજરાતનો વિકાસદર સતત ઘટતો રહ્યો છે. વર્ષ ર૦૧પ-૧૬માં દેશનો સરેરાશ વિકાસ દર ૭.૬ટકાથી પણ નીચો રહ્યો છે. પરમારે જણાવ્યું હતું કે રાજ્યનો વિકાસલક્ષી ખર્ચ વર્ષ ર૦૧૪-૧પના પ્રમાણમાં વર્ષ ર૦૧૮-૧૯માં વિકાસલક્ષી ખર્ચમાં ૮.૯પ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે બિનવિકાસલક્ષી ખર્ચે વર્ષ ર૦૧૪-૧પના પ્રમાણમાં વર્ષ ર૦૧૮-૧૯માં બિનવિકાસલક્ષી ખર્ચમાં ૮.૯પટકાનો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યના વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ માટે કેન્દ્ર સરકાર પાસે રૂા.૧૩,૮૧૮.૯૦ કરોડની માગણી કરવામાં આવી હતી, જેની સામે કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૬,૭પ૭.૧૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૭,૦૬૧.૯૭ કરોડની ઓછી ફાળવણી કરવામા આવી છે. ટાટા નેનોની વાત કરતાં જણાવ્યું હતું કે શરતો મુજબ ટાટાએ પ્રથમ ફેસમાં ર.પ૦ લાખથી ૩.પ૦ લાખ નેનો કારનું ઉત્પાદન કરવાનું હતું જે માટે ટાટાને સસ્તા ભાવે જમીન, પાણીની વ્યવસ્થા, રોડની વ્યવસ્થા, પશ્ચિમ બંગાળથી સાણંદ સુધીનો પ્લાન્ટ ટ્રાન્સફરનો ખર્ચ પણ ગુજરાત સરકાર ભોગવવાની હતી. પરંતુ ટાટા કંપનીએ સાત વર્ષમાં કુલ મળીને ર,પ૬,રપ૯ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને હવે તો નેનો કારનું ઉત્પાદન જ બંધ કરી દેવામાં આવ્યું છે, સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ટાટા કંપની પાછળ ગુજરાત સરકારે ખર્ચેલ અને આપેલ લોનના રૂા.૩૩ હજાર કરોડ માથે પડ્યા છે. ત્યારબાદ બજેટની ચર્ચામાં ભાગ લેતા કોંગી ધારાસભ્ય પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે નર્મદા ડેમ સહિતના સાધનો ગીરવે મૂકીને સરકારે લોન લીધી છે ત્યારે સરકારે દેવું કરે છે. પરંતુ તે વિકાસના કયા કામો માટે નાણાં વાપરે છે તે બતાવવું જોઈએ. ખેડૂતોને ફાયદો થાય તેવી એક પણ વાત બજેટમાં નથી. આ બજેટમાં સરકારને ચેતવું છું કે પ્રાઈવેટ આશ્રમોને પ્રવાસનના નામે ગ્રાન્ટ ફાળવે છે. તેવું ચલાવી લેવું જોઈએ નહીં કહી પુંજાભાઈ વંશે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારબાદ ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે આ બજેટથી પ્રજાનો વિકાસ થાય તેવું લાગતું નથી. વાયબ્રન્ટ સમિટમાં વિદેશથી આવનારા માટે સરકાર બાલ જાજમ બિછાવે છે. જ્યારે રાજ્યના ઉદ્યોગપતિઓને ઉદ્યોગ માટે સરકાર કંઈ કરતી નથી. એટલે સરકારે રાજ્યના ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવી તેમના માટે કોઈ યોજના બનાવવી જોઈએ. આદિવાસીઓને જમીન આપી હોવાનું સરકાર કહે છે પરંતું વાસ્તવિકતા એવી છે કે આદિવાસીઓને તેમની માંગ પ્રમાણે પૂરતી જમીનો મળી નથી. ટ્રાયબલ વિસ્તારમાં સરકારે શૌચાલયો બનાવ્યા તેમાં માસણ અડધો દેખાય તેવા બનાવ્યા છે. આમ ટ્રાયબલ વિસ્તારમાં મોટાભાગની સરકારી યોજનાઓ માત્ર કાગળ ઉપર જ ચાલે છે. એમ અશ્વિન કોટવાલે જણાવ્યું હતું.