(એજન્સી) મુંબઈ,તા.૫
મુંબઈમાં જે સ્થળે મેટ્રો કાર શેડ નિર્માણ કરવાની મહારાષ્ટ્ર સરકારની યોજના છે એ જમીન પર કેન્દ્ર સરકારે પોતાનો દાવો રજુ કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર પર હુમલો કરતા કહ્યું કે કેન્દ્રનું મહારાષ્ટ્રના વિકાસને અટકાવવાનું આ ષડ્યંત્ર છે જેનો આપણને સામૂહિક રીતે વિરોધ કરવાનો છે. એમણે કહ્યું કે આ જમીન રાજ્ય સરકારની છે અને કાર શેડ ફક્ત કાંજુરમાર્ગમાં જ બનશે. મુખ્યમંત્રી ઠાકરેએ ગયા મહિને ગોરેગાંવમાં આરે કોલોનીમાં ઊભા થનાર મેટ્રો કાર શેડ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જે આ પહેલાની ભાજપની આગેવાની હેઠળની સરકારે બનાવી હતી. ઠાકરેએ કહ્યું હતું કે હવે આ પ્રોજેક્ટ સ્થળાંતર કરી રાજ્ય સરકારની કાંજુરમાર્ગ પર આવેલ જમીન ઉપર બનશે અને આના માટે કોઈ વધારાનો ખર્ચ પણ થશે નહીં. જોકે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના સચિવને લખ્યું છે કે કાંજુરમાર્ગની જમીન કેન્દ્ર સરકારની છે જેથી કાર શેડ બનાવી ના શકાય. રાઉતે રોષભેર ટ્‌વીટર પર લખ્યું કે મુંબઈની પ્રત્યેક ઇંચ જમીન મહારાષ્ટ્રની છે. કાર શેડ કાંજુરમાર્ગમાં જ બનશે. આપણે ભેગા મળી કેન્દ્રના ષડ્યંત્રને અટકાવવું છે જે રાજ્યના વિકાસને અવરોધે છે. કેન્દ્ર સરકારે પત્રમાં લખ્યું છે કે કાંજુરમાર્ગની ૧૦૨ એકર જમીન સાલ્ટ કમિશ્નર હસ્તક છે જેઓ કેન્દ્રને રિપોર્ટ આપે છે. જોકે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે કલેકટરે આ જમીન રાજ્ય સરકારને આપી છે. કલેકટરે પોતાની બુદ્ધિમતા વાપરી અને બધા રેકર્ડ તપાસીને અમને જમીન આપી છે. ૧૫મી ઓક્ટોબરના કેન્દ્ર સરકારના પત્ર મુજબ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના ૧ નવેમ્બર ૨૦૧૮ના આદેશ વિરુદ્ધ રીટ અરજી દાખલ કરી હતી. આ આદેશમાં રાજ્ય સરકારે આ જમીન રાજ્ય સરકાર અને ખાનગી પાર્ટીઓની હોવાની જાહેરાત કરી છે. રીટ અરજી ૨૨ સપ્ટેમ્બરે દાખલ કરાઈ હતી. રીટ અરજીમાં કહ્યું છે કે આ મામલો કોર્ટમાં પડતર છે અને મુંબઈના કલેકટરે આ જમીન મેટ્રો શેડ માટે ફાળવી છે જે અયોગ્ય છે. એ સાથે કેન્દ્ર સરકારે કલેકટરનો આદેશ રદ્દ કરાવવા માંગણી કરી છે. અને જમીન કેન્દ્ર ને પાછી આપવા માંગણી કરી છે.