(એજન્સી) તા.૩૦
ઉ.પ્ર. પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલ ગેંગસ્ટર વિકાસ દુબેના મૃત્યુમાં તપાસ કરવા માટે સુપ્રીમકોર્ટ દ્વારા રચવામાં આવેલ ત્રણ સભ્યોના તપાસ આયોગના બે સભ્યો શાસક ભાજપ સાથે અથવા કાનપુર પોલીસ સાથે પારિવારીક સંબંધો ધરાવે છે જેના કારણે હિતોના સંભવિત ટકરાવ અંગે સવાલો ઊભા થયાં છે. મંગળવારે સુપ્રીમકોર્ટે તપાસ આયોગમાંથી યુપી પોલીસના નિવૃત્ત ડાયરેક્ટર જનરલ કે એલ ગુપ્તાને હટાવી લેવાની દાદ માગતી એક પિટિશનને ફગાવી દેતાં જણાવ્યું હતું કે કાનપુર નજીક ૧૦,જુલાઇના રોજ થયેલ એન્કાઉન્ટરના એક પોલીસ વર્ઝનને સમર્થન આપતાં તેણે વ્યક્ત કરેલા મંતવ્યોના આધારે તેમને ગેરલાયક ઠરાવી શકાય નહીં. ગુપ્તાએ પોતાના નિવેદનમાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જો કોઇ પોલીસકર્મી દોષિત જણાય તો તેમની સામે પણ કાર્યવાહી કરવી પડશે. પિટિશનરે એવી દલીલ કરી હતી કે પૂર્વ ડીજીપી કે એલ ગુપ્તાએ પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં પહેલેથી જ પોલીસને ક્લિનચીટ આપી છે એ સંજોગોમાં નિષ્પક્ષ તપાસ કઇ રીતે થઇ શકે. અરજદારે જણાવ્યું હતું કે કે એલ ગુપ્તાએ એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે પોલીસના નિવેદનને આપણે ફેસ વેલ્યુ પર મૂલવવું જોઇએ નહીં. તેમણે જણાવ્યું હતું કે એન્કાઉન્ટર કરવામાં આવતાં નથી, પરંતુ થઇ જાય છે. આ સંજોગોમાંં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કઇ રીતે થઇ શકે. આ ઉપરાંત અદાલતને એવી જાણ કરવામાં આવી હતી કે ગુપ્તા કાનપુર ઝોનના આઇજીપી મોહિત અગ્રવાલના સંબંધી થાય છે કે જેમની ભૂમિકા તપાસ દરમિયાન વિકાસ દુબે એન્કાઉન્ટરમાં તપાસના દાયરામાં આવનાર છે. આમ પૂર્વ ડીજીપી, સુપ્રીમકોર્ટના જજના પારિવારિક સંબંધો વિકાસ દુબેની તપાસમાં હિતોના ટકરાવના સવાલો ઉઠાવાયા. બીજી એક વાત એ છે કે પિટિશનર અને અદાલત કદાચ એ હકીકતથી વાકેફ નથી કે સુપ્રીમકોર્ટના પૂર્વ જજ બી એસ ચૌહાણ અને આયોગના વડાને પણ હિતોના ટકરાવનો સામનો કરવો પડશે કારણ કે જસ્ટિસ ચૌહાણના બે નિકટના સગાઓ ભાજપના ધારાસભ્યો છે. આ ઉપરાંત જસ્ટિસ ચૌહાણની દીકરીના લગ્ન રાજસ્થાનના ભાજપના સાંસદ સુખબીર જૌનપુરીયાના પુત્ર સાથે થયેલા છે. આમ જસ્ટિસ ચૌહાણ અને તેમની વચ્ચે વેવાઇના સંબંધો છે.