(એજન્સી) લખનૌ, તા.૧૧
ગેંગસ્ટર વિકાસ દુબેના પોલીસ એન્કાઉન્ટર બાદ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે તેની સંપત્તિની તપાસ કરવામાં લાગી છે. આ માટે વિકાસના પરિવાર અને તેના નિકટના લોકોની તપાસ કરાઈ રહી છે. પોલીસના સૂત્રો મુજબ, વિકાસ દુબેએ છેલ્લા ૩ વર્ષોમાં કરેલી ૧૪ દેશોની યાત્રા દરમિયાન તેના સાથીદારોએ દુબઈ અને થાઈલેન્ડમાં પેન્ટહાઉસ ખરીદ્યા હતા. ઉપરાંત તેણે હાલમાં જ લખનૌમાં ખરીદેલો એક બંગલો અંદાજે ૨૦ કરોડ રૂપિયાનો હોવાનું મનાય છે. સૂત્રો મુજબ, કાનપુરના આ ગેંગસ્ટરે માત્ર ઉત્તર પ્રદેશમાં જ બેનામી ટ્રાન્ઝેક્શનથી ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ ખરીદ્યા હોવાનું મનાય છે. યુપી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે દુબે છેલ્લા ૩ વર્ષોમાં ૧૪ દેશોની મુલાકાતે ગયો હતો એવામાં તેણે વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી હોઈ શકે છે. હાલમાં ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ જે વિકાસ દુબેના હોવાનું મનાય છે તે સ્કેન હેઠળ છે. જેમાં હાલમાં જ ખરીદેલો ૨૩ કરોડનો બંગલો પણ છે, જે લખનઉના આર્યનગરમાં હોવાનું મનાય છે. કાનપુર પોલીસ સાથેની વાતચીત બાદ ઇડીએ ૭ જુલાઈએ ડાયરેક્ટ ઓફિસરને આદેશ આપ્યો હતો કે વિકાસ દુબે, તેના પરિવારના સભ્યો અને સાથીઓની માલિકીની ચલ અને અચલ સંપત્તિની મનિલોન્ડ્રિંગ એક્ટ ૨૦૦૨ હેઠળ માહિતી એકઠી કરવામાં આવે. ઈડીએ દુબે વિરૂદ્ધ નોંધાયેલા ગુનાઓની માહિતી પણ માગી હતી.

ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો પુત્ર અચાનક સામે આવ્યો : રશિયામાં MBBS કરી રહ્યો છે : ઘરમાં પ્રવેશતા પહેલા પોલીસ સાથે લઈ ગઈ

(એજન્સી) લખનૌ, તા.૧૧
કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરનારા અને ગઈકાલે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા વિકાસ દુબેના અંતિમ સંસ્કાર માટે તેનો શબ પરિવારને સોંપાયો હતો. વિકાસની પત્ની ઋચા હાજર રહી હતી. દરમ્યાન વિકાસ દુબેનો મોટો પુત્ર આકાશ પોતાની દાદી સરલાને મળવા પહોંચ્યો હતો. તે કૃષ્ણનગરમાં કાકા દીપ પ્રકાશ દુબેના ઘરે પહોંચતા જ પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ હતી. વિકાસ દુબેના બે ભાઈ છે સૌથી મોટો વિકાસ, પછી દીપુ દુબે અને ત્યારબાદ અવિનાશ દુબે, સૌથી નાના ભાઈ અવિનાશની હત્યા થઈ હતી. વિકાસના પિતાનું નામ રામકુમાર છે જેઓ બિકરૂ ગામમાં રહે છે. માતા સરલા દુબે લખનૌમાં રહે છે. વિકાસ દુબેની ત્રણ બહેનો છે બિટ્ટન, કિરણ અને રેખા જેમાં કિરણ તથા રેખાના મોત થઈ ચૂક્યા છે.