(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૨
સુપ્રીમ કોર્ટે આજે યુપીના ગેન્ગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.એસ. ચૌહાણની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચનાને મંજૂરી આપી હતી. જજ ચૌહાણનું નામ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સૂચવ્યું હતું જે યુપી સરકાર તરફે હાજર રહ્યા હતા. એસ.જી.એ સી.જે.આઈ. એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું કે જજ ચૌહાણે તપાસ સમિતિનું ભાગ બનવા મંજૂરી પણ આપી છે. એસ.જી.એ તપાસ ટીમનું ભાગ બનવા માટે યુપીના પૂર્વ પોલીસ મહાનિદેશક કે.એલ.ગુપ્તાનું નામ પણ સૂચવ્યું. એમણે જણાવ્યું કે પૂર્વ ડી.જી.પી.ની બધા પાસાઓની તપાસ કરાઈ છે. એસ.જી.એ સુચન કર્યું કે તપાસ પંચ લગભગ ૬૫ કેસોનો સામનો કરનાર વિકાસ દુબેને જામીન અને પેરોલ કઈ રીતે મળ્યા એની પણ તપાસ કરશે. સી.જે.આઈ. બોબડેએ કહ્યું કે રાજ્યના અધિકારીઓની નિષ્ફળતાની તપાસ થવી જોઈએ જેના લીધે દુબેને જમીન મળતા આવ્યા હતા. સોલીસીટર જનરલ દ્વારા સૂચવાયેલ નામોને મંજૂરી આપતા બેન્ચે પંચને એક અઠવાડિયામાં તપાસ શરૂ કરવા કહ્યું અને કાયદા મુજબ બે મહિનામાં સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું. કોર્ટે વધુમાં નિર્દેશો આપ્યા કે કેન્દ્ર પંચને પંચ દ્વારા માંગવામાં આવેલ સચિવો પૂરો પડશે. એ ઉપરાંત જો પંચને જરૂર હોય તો કોઈ પણ તપાસ એજન્સીની મદદ પણ મેળવી શકશે જે મદદ કેન્દ્ર સરકારે પૂરી પડવાની છે. કોર્ટે અરજદાર ઘનશ્યામ ઉપાધ્યાય દ્વારા સૂચવાયેલ જજોના નામોને મંજૂરી આપી ન હતી. અરજદારે સુપ્રીમ કોર્ટના પૂર્વ સી.જે.આઈ. ટી.એસ. ઠાકુર, આર. એમ. લોધા, અને પૂર્વ જજો સંતોષ હેગડે, અનીલ આર. દવે, કુરિયન જોસેફ, ફકીર મોહમ્મદ ઈબ્રાહીમ કલીફૂલ્લા, એમ. વાય ઇકબાલ, એ. કે. પટ નાયક, વિક્રમજીત સેન, કે.એસ.પાનીકર સમેત યાદી રજૂ કરી હતી. યાદીમાં હાલમાં નિવૃત્ત થયેલ જજો દીપક ગુપ્તા અને આર. ભાનુમતી પણ હતા. જજ ચૌહાણનું સમર્થન કરતા સી.જે.આઈ. એ અરજદારને કહ્યું કે તમને જજ ચૌહાણના અધ્યક્ષ હોવા બદલ કોઈ ભૂલોને ગોતવી નહિ જોઈએ. અરજદારે કહ્યું કે એમને જજ ચૌહાણ વિષે કોઈ પૂર્વગ્રહ નથી પણ હાઈકોર્ટના જજને પણ સામેલ કરવો જોઈતો હતો. બેન્ચે ઉત્તરપ્રદેશ માં પંચનું કામ કરવાના વિરોધને પણ માન્યું નહિ અને કહ્યું કે એમની ઓફિસ કાનપુરમાં જ હશે. એ ઉપરાંત વકીલ સંજય પરીખની અરજી સંદર્ભે કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટ યુપી પોલીસ દ્વારા નિમાયેલ સીટની તપાસ ઉપર નિગરાની રાખશે નહિ.