(એજન્સી) કાનપુર, તા.૭
દેશભરમાં રાતોરાત ચર્ચામાં આવી ગયેલા યુપીના ગેંગસ્ટર વિકાસ દુબે સાથે એક બે નહી પણ ૨૦૦ જેટલા પોલીસ કર્મીઓના તાર જોડાયેલા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસની ટીમ પર દુબે અને તેના સાગરિતોએ કરેલા હુમલામાં આઠ પોલીસ કર્મીઓ શહીદ થયા બાદ હજી સુધી આ ગેંગસ્ટર પોલીસની પકડમાં આવ્યો નથી. દરમિયાન પોલીસે શરૂ કરેલી તપાસમાં વિકાસ દુબેના પોલીસ ખાતાની અંદરના જ મદદગારોની સંખ્યા વધી રહી છે. ચૌબેપુર પોલીસ સ્ટેશનથી ૧૦ પોલીસકર્મીઓની બદલી કરાઈ છે. આઈજીપી કાનપુરનાં જણાવ્યા અનુસાર, કાનપુર એન્કાઉન્ટરનાં કેસમાં તમામ ૧૦ કોન્સ્ટેબલોની તપાસ ચાલી રહી છે.
મળતી વિગતો પ્રમાણે કુલ ૨૦૦ પોલીસ કર્મીઓ શંકા ઘેરામાં છે. જેમણે વિકાસ દુબેને ભૂતકાળમાં મદદ કરી હતી અથવા તો તેમની પાસથી કોઈને કોઈ ફાયદો લીધો હતો. આમાંના મોટાભાગના વિકાસ દુબેના ચૌબેપુર ગામના પોલીસ મથકમાં પણ ફરજ બજાવી ચુક્યા છે.
પોલીસ કર્મીઓના મોબાઈલ કોલની ડીટેઈલ ચેક કરવામાં આવી રહી છે.આ મામલામાં એક અધિકારી કે કે શર્મા સસ્પેન્ડ થઈ ચુક્યો છે. તેણે પોલીસને કહ્યુ હતુ કે, મને વિકાસે ધમકી આપી હતી કે, હજી પણ સમજી જજો નહીતર લાશો પડશે. હું દુબેની ધમકીથી ગભરાઈને એન્કાઉન્ટર કરવા ગયેલી ટીમમાં સામેલ થયો નહોતો. એવુ કહેવાય છે કે, આસપાસના ગામડાઓમાં કોઈ પણ વિવાદની તપાસ કરવા માટે પોલીસને દુબેની મદદ લેવી પડતી ઉકેલી કરાવી લેતો હતો.
દુબેની તપાસ માટે પોલીસે ૪૦ ટીમો બનાવી છે અને નેપાળ સુધી તપાસ થઈ રહી છે. વિકાસ અને તેના ભાઈ પર હજી કેટલાક કેસ પોલીસ નોંધશે.
અત્યાર સુધી જે લોકો તેના ખૌફથી સામે નહોતા આવતા તે હવે સામે આવી રહ્યા છે. વિકાસ દુબે જમીન પચાવી પાડવાના અને ધમકી આપવાના ઘણા મામલામાં પણ સંડોવાયેલો છે.