(એજન્સી) દાવોસ, તા.ર૭
પાકિસ્તાને કહ્યંુ કે કાશ્મીર અને રોહિંગ્યા મુદ્દાઓ વિખંડિત વિશ્વના પરિણામોમાંના છે અને તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવી જોઈએ. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે પત્રકારને સંબોધતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ અબ્બાસીએ જણાવ્યું કે, તેમનો દેશ ચીન અને અમેરિકા સાથે મજબૂત સંબંધો જાળવી રાખવાની આશા રાખે છે. કેટલાક સહિયારા સાહસોના કારણે તેમના ચીન સાથેના સંબંધોમાં સુધારો આવ્યો છે. વિદેશમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે કાશ્મીર અને રોહિંગ્યા (મુદ્દાઓ) વિખંડિત વિશ્વના પરિણામો છે અને તેમની આંતરરાષ્ટ્રીય ધોરણે ચર્ચા થવી જોઈએ. તેમની આ ટિપ્પણી આ વર્ષે ફોરમના વિષય વિખંડિત વિશ્વમાં સહિયારા ભવિષ્યના સંદર્ભમાં હતી. અબ્બાસીએ જણાવ્યું કે, આ વાર્ષિક સભામાં જોડાવવાનું મુખ્ય કારણ આ વિષય હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં કોઈને પણ પાછળ છોડ્યા વિના અમે એક સહિયારા ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે. આંતરિક અને બાહ્ય વિખંડન છતાં અમે તે ચાલુ રાખીશું. વડાપ્રધાન અને તેમના કેબિનેટે વિદેશી રોકાણને આકર્ષવા માટે પગલાં જણાવી સરકાર દેશની વૈશ્વિક છબી સુધારવા કેવા પ્રયત્નો કરી રહી છે તે જણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય વ્યાપારોને આમંત્રણ પાઠવ્યું હતું.