(એજન્સી) હૈદરાબાદ, તા.૭
સરકારના ક્રિષ્ના જિલ્લામાં આવેલા નિદુમોલુમાં સ્થિત પનિસા મસ્જિદને તોડી પાડવાના નિર્ણયનો વિરોધ કરવાનો મુસ્લિમ સંગઠનોએ નિર્ણય લીધો છે. માછીલીપટનમ વિજયવાડા ધોરીમાર્ગનો વિસ્તાર કરવાની યોજનામાં વહીવટી તંત્રએ રોડની સમાંતર આવેલી મસ્જિદને દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
શનિવારે કેન્દ્રીય વકફ બોર્ડના સભ્ય હામિદ ઈજનેરે મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમને એવું લાગે છે ૪૦૦ વર્ષ જૂની મસ્જિદને તોડી પાડવાના ઉદ્દેશ્યથી જ યોજનામાં ફેરફાર કરાયો છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ રૂપરેખા તૈયાર કરવામાં ભૂલ કરી છે અને તે માત્ર મુસ્લિમોને ઉત્તેજિત કરવાનો પ્રયાસ છે.
હામિદે કહ્યું કે ક્રિષ્ના જિલ્લા કલેક્ટર અને રાષ્ટ્રીય હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી પરિયોજનામાં જરૂરી ફેરફાર કરવા જોઈએ જેથી લોકોની લાગણીઓ ન દુભાય. હાઈવેના નામે ઐતિહાસિક ઈમારત તોડી પાડવી એ યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે જ્યારે સ્થાનિકોએ જિલ્લા અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી ત્યારે તેમણે કોઈપણ પ્રતિઉત્તર ન આપ્યો હતો.