(એજન્સી) લંડન, તા.૪
પડતર કાનૂની મુદ્દા નહીં ઉકેલાતા, ભારતના ભાગેડુ આરોપી અને કિંગફિશર એરલાઈન્સના સ્થાપક વિજય માલ્યા કેટલાક સમય માટે ભારત પ્રત્યાર્પણથી બચી શકે છે. તેઓ હાલ બ્રિટનમાં જામીન પર મુક્ત છે. લંડનના સૂત્રોએ જણાવ્યું હતું કે, માલ્યા પોતાના પ્રત્યાર્પણને ટાળવા તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. સીબીઆઈના ટોચના અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, માલ્યા તમામ કાયદાકીય વિકલ્પો તપાસશે. પ્રથમ સત્તાવાર આદેશ બહાર પડશે અને ભારતના મિશનને સમર્થન મળશે. સીબીઆઈના અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય માલ્યા પ્રત્યાર્પણથી બચવા રાજકીય શરણ પણ માંગી શકે છે. તપાસ એજન્સી આ શક્યતાથી સાવચેત છે જેથી પ્રત્યાર્પણનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. પ્રત્યાર્પણની અંતિમ નકલ હજુ જારી થઈ નથી. હાલ તેમનું પ્રત્યાર્પણ નહીં કરાય પહેલાં બ્રિટનની સરકાર જરૂરી પગલાં ભરશે ત્યારબાદ અમે જરૂરી કાર્યવાહી કરીશું.