રાજકોટ, તા.૧૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ (સીએએ)ના સમર્થનમાં યોજાયેલી ત્રિરંગા યાત્રા ર૦ર૦ની શરૂઆત કરાવી હતી. જો કે, નોંધનીય વાત તો એ છે કે, આ રેલીમાં સામેલ થયેલા ૬૦ ટકા જેટલા લોકો ખાનગી અને સરકારી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ હતા પરંતુ આયોજકોએ આ રેલીને રાષ્ટ્રીય એકતાનું કાર્યક્રમ ગણાવી તેને યોગ્ય ઠેરવ્યું હતું. આ રેલીનું આયોજન રાષ્ટ્રીય એકતા સમિતિએ કર્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજકોટ ભાજપના અગ્રણી નેતાઓએ આ રેલીમાં હાજરી આપી હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ દાવો કર્યો હતો કે, આ રેલીમાં ૩૫,૦૦૦ જેટલા લોકોએ ભાગ લીધો છે. ભંડેરીએ એક સમાચારપત્રને જણાવ્યું હતું કે, “આ રેલીમાં ધો.૧૧ના ૮૦૦૦ વિદ્યાર્થીઓ અને કોલેેજના ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.” પરંતુ ઘણી શાળાના શિક્ષકોએ કહ્યું હતું કે, તેઓ ધોરણ ૮ અને ૯ના વિદ્યાર્થીઓને આ રેલીમાં લાવ્યા હતા. તેમનામાંથી કેટલાક શિક્ષકોએ આ અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે તેમના વિદ્યાર્થીઓ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણી ઓછી ઉંમરના છે. એક ખાનગી શાળાના શિક્ષકે કહ્યું હતું કે, પરંતુ મેનેજમેન્ટ ઈચ્છતું હતું કે અમે બાળકો રેલીમાં ભાગ લે આથી તેમને લઈને આવ્યા. શુભમ સ્કૂલના એક વિદ્યાર્થી રાઘવેન્દ્ર ગોંડલિયાએ જણાવ્યું હતું કે, તે ધો.૮માં અભ્યાસ કરે છે અને મને સીએએનો અર્થ ખબર નથી. એક શિક્ષકે કહ્યું હતું કે, શાળાના સંચાલક અવધેશ કાંગડ કે જે ભાજપના નેતા ઉદય કાંગડના સંબંધી છે તે ઈચ્છતા હતા કે, વિદ્યાર્થીઓ આ રેલીમાં ભાગ લે. ઉત્કર્ષ સ્કૂલમાં ધો.૧૧માં ભણતા દેવ સોનસેતરાએ જણાવ્યું હતું કે, મારી શાળાએ મને સવારે કહ્યું હતું કે, આપણે આ રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ. મારી પ્રિલીમ પરીક્ષા નજીક હોવા છતાં હું આ રેલીમાં હાજર રહ્યો હતો.