LLB રિઝલ્ટની વિગતો RTIમાં માંગનાર મુસ્લિમ વિદ્યાર્થિનીને યોગ્ય જવાબ આપવાને બદલે સત્તાનું વરવું પ્રદર્શન !
આ ટોપર વિદ્યાર્થિનીને ગોલ્ડમેડલ અપાયો ત્યારે નાગરિકતાનો પુરાવો ન મંગાયો તો હવે RTI વખતે કેમ ?

• વકીલ બનેલી વિદ્યાર્થિની પોતાની કારકિર્દીનો પ્રથમ કેસ સ્વયં લડવા તૈયાર

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.પ
એલએલબી કરનારી મુસ્લિમ યુવતીએ ગુજરાત યુનિવર્સિટી પાસે તેના એલએલબીના પરિણામની માહિતી મેળવવા આરટીઆઈ કરી હતી. જેનો જવાબ યુનિ. તંત્ર દ્વારા મુસ્લિમ યુવતી પાસે ભારતીય નાગરિકતાનો પુરાવો માગવામાં આવતા વિવાદ સર્જાયો છે. કાયદાનો અભ્યાસ કરી વકીલ બનેલી યુવતી હવે ખોટો કાયદો બનાવનારા સામે કોર્ટમાં જશે. પોતાની કારકિર્દીનો પ્રથમ કેસ સ્વયં માટે જ લડવાનું યુવતીએ નક્કી કર્યું છે. યુનિવર્સિટીના સત્તાધીશો આ મામલે જવાબદાર અધિકારી સામે પગલાં ભરશે ખરી ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરની સિદ્ધાર્થ લૉ કોલેજમાં એલએલબીના છઠ્ઠા સેમીસ્ટરની મુસ્લિમ વિદ્યાર્થિનીએ પોતાના પરિણામ વિશે વિગતો જાણવા તેની કોલેજનો સંપર્ક કર્યો પરંતુ સંતોષકારક જવાબના મળતા તેણે ગુજરાત યુનિવર્સિટી પાસે તેના પરીણામ અંગેની વિગતો જાણવા આરટીઆઈ અરજી કરી હતી. પરંતુ ગુજરાત યુનિ. તરફથી જે જવાબ મળ્યો તેનાથી યુવતી અને તેના પરિવારજનો ચોંકી ગયા હતા. કેમ કે યુનિ.ના તંત્ર દ્વારા યુવતીને પરિણામની વિગતો આપવાના બદલે તેની પાસેથી ભારતીય નાગરિકતાના પુરાવા માગ્યા છે. આ અંગે મુસ્લિમ યુવતીએ નામ ન આપવાની શરતે ગુજરાત ટુડેને જણાવ્યું હતું કે હું એલએલબીના છઠ્ઠા સેમમાં પાસ થઈને વકીલ બની ગઈ છું. જો કે મારા છઠ્ઠા સેમેસ્ટરના પરિણામ અંગે મે યુનિ.માં આરટીઆઈ કરીને કેટલીક વિગતો માગી હતી. પરંતુ મને તેનો જવાબ આપવાના બદલે મારી નાગરિકતાના પુરાવા રજુ કરવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું છે. એટલે સમગ્ર મામલે મે કોર્ટમાં કેસ લડવાનું નક્કી કર્યું છે. હાલ તો હું વકીલ બની ગઈ છું. એટલે મારી વકીલાતની કારકિર્દીનો પ્રથમ કેસ સ્વયંનો જ લડવાનું મે નક્કી કરી લીધું છે. એટલે હું કેસ જરૂર લડીશ. જો કે અગાઉના એલએલબીના ચાર સેમેસ્ટરમાં હું ટોપર રહી છું. ત્યારે ગોલ્ડમેડલ આપતી વખતે તો નાગરિકતાનો પુરાવો મારી પાસે માગ્યો ન હતો તો હવે કેમ ? એમ યુવતીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે કાયદાની વિદ્યાર્થિનીને ખોટો કાયદો બતાવનારા યુનિ. તંત્ર સામે વકીલ બનેલી વિદ્યાર્થિની ખુદ સ્વયંનો પ્રથમ કેસ લડશે. તેવો કદાચ આ પ્રથમ કિસ્સો હશે.યુવતીનો જન્મ ભારતમાં જ થયેલો છે અને તેના દાદા આઝાદી પહેલાથી ભારતના જ નાગરિક છે.

 

ગુજરાત યુનિ.ને નાગરિકતાનો પુરાવો માંગવાનો પરવાનો કોણે આપ્યો ?

ગુજરાત યુનિ. પાસે પરિણામની વિગતો જાણવા આરટીઆઈ કરનારી વિદ્યાર્થિનીને યુનિ.ના જાહેર માહિતી અધિકારીએ નાગરિકતાનો પુરાવો રજૂ કરવા કહેતા વિવાદ સર્જાયો છે. જો કે, અધિકારીનું કામ માહિતી આપવાનું છે. ત્યારે નાગરિકતાનો પુરાવો માંગવાનો પરવાનો તેમને કોણે આપ્યો ? ગુજરાત યુનિવર્સિટીએ આપેલા આ જવાબ અંગે કાયદાના નિષ્ણાંતના મતે જાહેર માહિતી અધિકારીનું કામ આરટીઆઈનો જવાબ આપવાનો હોય છે કે, તે માહિતી આપી શકશે કે નહીં. જાહેર માહિતી અધિકારી આરટીઆઈ કરનારને ક્યારેય તેની નાગરિકતાના પુરાવા રજૂ કરવા અંગે કહીં શકે નહીં. આથી આ પ્રકારની માગણી ગેરકાયદેસર ગણી શકાય અને તેને કોર્ટમાં પડકારી પણ શકાય.