(એજન્સી) તા.૧૪
અનેક બળવાખોર સમૂહો અને કેન્દ્ર સરકાર લાંબા સમયથી નાગા સંબંધિત રાજકીય સમસ્યાઓનો અંત લાવવા પ્રયાસો કરી રહ્યા છે અને તેમની સુરક્ષા સંબંધિત મામલાઓ પર ચર્ચા કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન જ શુક્રવારે મણિપુર તથા નાગાલેન્ડમાં નાગા સમુદાયના લોકોએ ૭૪મા નાગા સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરી હતી. નાગાલેન્ડમાં વિદ્યાર્થીઓએ આ ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને આ દરમિયાન નાગાઓનું રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યું હતું. કેટલાક સ્થળોએ સુરક્ષાદળોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયા હતા. જો કે, આ દરમિયાન કોઈ અથડામણ થઈ નહોતી. મણિપુરના પર્વતીય વિસ્તારોમાં પણ આ રીતે જ ઉજવણી કરવામાં આવી હતી. નાગા સમુદાયના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન અનેક વ્હોટ્‌સએપ ગ્રુપમાં લોકોને વર્ચ્યુઅલ રીતે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી આ દરમિયાન ઉજવણીના ફોટાઓ પણ શેર કરાયા હતા. અગાઉ નાગા સ્ટુડન્ટ્‌સ ફેડરેશન જે નાગાલેન્ડમાં ટોચનું વિદ્યાર્થી સંગઠન છે તેણે જ આ કાર્યક્રમ કરીને મોટાભાગના વિદ્યાર્થીઓને એકજૂટ કર્યા હતા અને આ દરમિયાન તેઓએ રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યું હતું. આ દરમિયાન પિક્ટોરિયલ પુરાવા માટે તેના ફોટા પણ શેર કરાવ્યા હતા.