અમદાવાદ, તા.૧૬
રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ શાળા-કોલેજ બંધ હોવાની સ્થિતિમાં શિક્ષણ મેળવી શક્યા નથી. ઉપરાંત લાખો વાલીઓ એવા છે જેઓના લોકડાઉનના લીધે ધંધા-રોજગાર-નોકરી ઠપ્પ થઈ ગઈ હોવાથી બેરોજગાર બની ગયા હતા. આવી પરિસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી સંપૂર્ણ માફ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વસ્ત્રાપુર ખાતે આવેલી ડીઈઓ કચેરી ખાતે દેખાવો કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની ફી માટે સંચાલકો દ્વારા કરવામાં આવતા દબાણને કારણે વાલીઓ પારાવાર માનસિક તાણ અનુભવી રહ્યા છે તેમજ વિદ્યાર્થીઓના કુમળા માનસ પર માઠી અસર થઈ રહી છે. છેલ્લા ૪ મહિનાથી લોકડાઉનને કારણે કરફ્યૂ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોના નોકરી ધંધા મોટાભાગે સંપૂર્ણપણે બંધ રહ્યા છે. નાજુક સમયને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટી તથા નાગરિકો દ્વારા સરકારના આદેશોનું પાલન કરી રચનાત્મક સમર્થન આપવામાં આવ્યું હતું. લોકોની આવક બંધ થઈ ગઈ હોવાની ગંભીર આર્થિક સમસ્યાનો સમગ્ર દેશવાસીઓ સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં બાળકોની ફી ભરવી વાલીઓ માટે અશક્ય બની ગયેલ છે. સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ તરફથી કરવામાં આવેલ રજૂઆતને વાચા આપવા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તથા ઈમરાન ખેડાવાલાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ સવારે વસ્ત્રાપુર ખાતે બહુમાળી ભવન આવેલી ડીઈઓ કચેરી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પોસ્ટર અને બેનરો સાથે એકઠા થયા હતા. તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફીની માગણી કરવા શહેરના નવરંગપુરા, એલિસબ્રિજ જેવા વૈભવી વિસ્તારો સહિતના તમામ વોર્ડના હજારો નાગરિકોની સહી સાથે ઉગ્ર દેખાવો કરી આવેદન આપ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં રાહદારીઓ પણ પોતાના વાહનો બાજુમાં મૂકી જનવેદનાને વાચા આપવા જોડાયા હતા. વસ્ત્રાપુર પોલીસે કિલ્લાબંધી જેવો બંદોબસ્ત ગોઠવી અમદાવાદ શહેર પ્રમુખ ધારાસભ્યો, કોંગ્રેસી કાર્યકર્તાઓ તથા નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ જુદી-જુદી ટીમો દ્વારા અલગ-અલગ દિશાએથી વ્યુહાત્મક આયોજન દ્વારા કોંગ્રેસી આગેવાનો કચેરીમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી માથે છે ત્યારે આમ જનતાની વચ્ચે શહેરના નાગરિકોની માગણીને વાચા આપતા કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી ઉડીને આખે વળગતી હતી. ફી માફીની માગણી સાથે શહેરના વિવિધ વોર્ડોના વાલીમંડળોના આગેવાનો પણ કોંગ્રેસના કાર્યક્રમમાં જોડાયા હતા.