પ્રતિઆત્મક તસવીર

અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં કોલેજના વિદ્યાર્થીઓને અપાતા ટેબલેટ મામલો વિધાનસભા સત્રમાં ગુરૂવારે ચર્ચાયો હતો જેમાં સરકાર જે રૂા.૬૬૬૭માં ટેબલેટ ખરીદે છે તે ટેબલેટ એક વેબસાઈટ ઉપર રૂા.૧૪૦૦માં વેચાય છે. ત્યારે સરકારે ટેબલેટ દીઠ રૂા.પરપ૯ લેખે રૂા.૧૬૩ કરોડનું કૌભાંડ ભાજપ સરકારે કર્યો હોવાનો સણસણતો આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યો છે. તદુપરાંત વર્ષ પૂરું થવા આવ્યું છતાં પ૦ ટકા વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા ન હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં વિવિધ ધારાસભ્યો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને અપાતા ટેબલેટ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે વિદ્યાર્થીદીઠ રૂા.૧ હજાર ઉઘરાવ્યા પછી પણ શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છે તેમ છતાં અડધો અડધ વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. ત્યારે આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોલેજમાં ભણતો વિદ્યાર્થીઓમાંથી ચાલુ વર્ષે ૩,૦૯,૬પ૧ વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે અરજી કરી હતી. તે પૈકી માત્ર ૧,પ૦,૭૮પ વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા હતા તેમજ ૧,પ૮,૮૬૬ ટેબલેટ આપવાના બાકી છે. સરકારે આ ટેબલેટ લીનોવો કંપની પાસેથી રૂા.૬૬૬૭ પ્રતિ ટેબલેટના ભાવથી ખરીદયા છે જ્યારે આ ટેબલેટ અલીબાબા નામની વેબસાઈટ પરથી માત્ર રૂા.૧૪૦૮માં જ મળે છે. આમ વિદ્યાર્થીઓનો ફાળો રૂા.૧ હજાર બાદ કરતાં સરકારે ફકત રૂા.૪૦૮ જ ચૂકવવાના થાય છે. આમ સરકાર દ્વારા ટેબલેટ દીઠ રૂા.પરપ૯ લેખે રૂા.૧૬૩ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

ગ્લોબલ ટેન્ડરીંગ કરીને ટેબલેટ ખરીદાય છે છતાંય તપાસ કરીશું

ટેબલેટ આપવામાં કૌભાંડ થયું હોવાના વિપક્ષના આક્ષેપને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી 4G સુવિધા સહિત વિવિધ સ્પેશીફીકેશનવાળા ટેબલેટ વિદ્યાર્થીઓને પુરા પાડવા માટે સંપૂર્ણ પારદર્શિતાથી ગ્લોબલ ટેન્ડરીંગ કરી વિદ્યાર્થીઓને અપાય છે ત્યારે વિપક્ષના નેતાએ કરેલા આક્ષેપોમાં કયાંક ગેરસમજ થઈ છે. તેમ છતાં વિપક્ષના નેતા કહે છે. તો અમે તપાસ કરીશું.