અમદાવાદ,તા.૬
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ આદિત્ય-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ ર્યનિંગ એડમિનિસ્ટ્રેટર્સ)નું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યુ હતું. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા આ લોકાર્પણ વેળાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આદિત્ય પોર્ટલ લોકાપર્ણ કરતાં જણાવ્યું કે, ભારત જ્યારે ૫ ટ્રિલિયન ડૉલર્સનું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તાલીમબદ્ધ મેનપાવર (માનવબળ) પણ નિકાસ કરવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી આપણા વિદ્યાર્થીઓને દેશ-વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે. એટલું જ નહિ, ગુણવત્તાયુક્ત તાલીમબદ્ધ શિક્ષકો ઇચ્છતી શાળાઓને પણ આ પોર્ટલના માધ્યમથી કૌશલ્યસભર શિક્ષકો સરળતાએ પારદર્શી પદ્ધતિથી મળી શકશે. વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં આઇઆઇટીઇ દ્વારા યોજવામાં આવેલા કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ – બાપૂ સ્કૂલ મેં અભિયાનની પણ સરાહના કરી હતી. તેમણે ટૅક્નૉલૉજી સાથે ઉછેર પામી રહેલી નવી પેઢીના શિક્ષણ માટે શિક્ષણમાં ટૅક્નૉલૉજીનો અસરકારક ઉપયોગ કરવાના કૌશલ્યોથી સજ્જ શિક્ષકો તૈયાર કરવાના આઈઆઈટીઈની પ્રયાસોની માહિતી પણ મેળવી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આદિત્ય જોબ પોર્ટલ આઈઆઈટીઈ દ્વારા યોગ્ય સમયે તૈયાર કરવામાં આવ્યું છે. નવા તૈયાર થયેલાં શિક્ષકોને આગામી શૈક્ષણિક સત્રથી જ યોગ્ય સ્કૂલોમાં પ્લેસમેન્ટ માટેની તકો આ પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ બનશે. ભારતીય શિક્ષણ પદ્ધતિથી તૈયાર થનારા શિક્ષકો નવી પેઢીમાં ભારતીય સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરે તે દિશામાં આ પ્રકારના પ્રકલ્પો ખૂબ ઉપયોગી સાબિત થશે.