અમદાવાદ,તા.૮
કોરોનાના કહેરને લીધે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં પરીક્ષાનું આયોજન કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા ના જોઈએ. વિદ્યાર્થીઓ કોઈ ટેસ્ટ કીટ નથી એટલે રાજયની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ન્યાય આપવા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદ્દેદારો દ્વારા અમદાવાદ કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના યુથ કોંગ્રેસના ડો. સુબ્હાન સૈયદ અને એનએસયુઆઈના ગુજરાતના પ્રેસિડેન્ટ મહિપાલસિંહ ગઠવી સહિતના હોદ્દેદારોએ કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતની તમામ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી મહામારીમાં જોખમ સામે યોગ્ય નિર્ણય કરવો જોઈએ જેથી દેશનું ભવિષ્ય જોખમમાં ન મુકાય. કોરોના પોઝિટિવની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ ટેસ્ટ કીટની જેમ ઉપયોગ ન કરવો જોઈએ જેનાથી લાખો વિદ્યાર્થીના સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. અમારી માગ છે કે રાજયની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સમાન ન્યાય આપવો જોઈએ તમામ યુનિવર્સિટી માટે એક જ નિર્ણય આ સમયમાં યોગ્ય છે કે તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી તેમના સ્વાથ્યના સમર્થનમાં નિર્ણય લેવો જોઈએ બધી યુનિવર્સિટીના નિર્ણય સમાન હોવા જોઈએ અને યુ.જી.ના છેલ્લા સેમના વિદ્યાર્થીઓને પણ પ્રોરેટા સીસ્ટમ પ્રમાણે આગળ વધારવામાં આવે. પી.જી.માં પણ માસ પ્રમોશન આપવામાં આવે. એજયુકેશન અને લો ફેકલ્ટીઓમાં પણ માસ પ્રમોશન આપવામાં આવે અથવા તો જયા સુધી કોરોનાની મહામારી પૂર્ણ ના થાય ત્યાં સુધી રાજયમાં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં ના આવે.