અમદાવાદ,તા. ૧૫
ગઇકાલે વેલેન્ટાઇન ડેના દિવસે ટયુશન કલાસીસમાં આવતી પોતાની વિદ્યાર્થીનીને પ્રેમ દર્શાવવાનું એક શિક્ષકને ભારે પડી ગયુ હતું. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા એક ટયુશન કલાસીસમાં ધોરણ-૧૧ની વિદ્યાર્થીનીને સાથે અડપલાં કરનાર લેનાર આરોપી શિક્ષક વિરૂધ્ધ વિદ્યાર્થીનીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સરદારનગર પોલીસે આરોપી શિક્ષક તાપસ ગોપાલચંદ દત્તાની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની તેમના જ વિસ્તારમાં આવેલા દત્તા કલાસીસમાં ટયુશન માટે જાય છે. ગઇકાલે રાત્રે અન્ય વિદ્યાર્થીઓની સાથે આ વિદ્યાર્થીની પણ ટયુશનમાં ગણિતના દાખલા શીખતી હતી. એકાદ કલાક બાદ ટયુશનનો સમય પૂર્ણ થતાં બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા ત્યારે આરોપી ટયુશન સંચાલક શિક્ષક એવા તાપસ ગોપાલચંદ દત્તાએ આ વિદ્યાર્થીનીને તને ગણિતના દાખલા આવડતા નહી હોવાથી વધુ બેસવા જણાવ્યું હતું. જેથી વિદ્યાર્થીની થોડીવાર માટે રોકાઇ ગઇ હતી. શરૂઆતમાં તો શિક્ષક તાપસ દત્તાએ આ વિદ્યાર્થીને દાખલા શીખવાડયા પરંતુ પાછળથી અચાનક જ તેણીને સાથે અડપલાં કરવાની શરૂઆત કરી હતી. અચાનક આવા વર્તનથી ગભરાઇ ગયેલી વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી શિક્ષક પણ ગભરાઇ ગયો હતો અને તેણીને છોડી દીધી હતી. ધોરણ-૧૧ની વિદ્યાર્થીની તરત જ ત્યાંથી પોતાના ઘેર જતી રહી હતી અને ઘેર જઇ પરિવારજનોને સમગ્ર ઘટનાની વાત કહી હતી, જેથી વિદ્યાર્થીનીના પિતા તરફથી સરદારનગર પોલીસમથકમાં આરોપી શિક્ષક તાપસ દત્તા વિરૂધ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપી ટયુશન શિક્ષકની ધરપકડ કરી લીધી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.