(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૮
આણંદ તાલુકાનાં સંદેસર ગામે આવેલી પ્રાથમીક કુમાર શાળામાં પ્રાર્થના દરમીયાન ધાણાદાળ ખાવાની નજીવી બાબતે શાળાના આચાર્ય દ્વારા ધો-૬ના વીદ્યાર્થીને બેફામ માર મારતાં વીદ્યાર્થીને કાન અને ગળા પર સોજો આવી જતાં અને અસહ્ય દુઃખાવો થતાં વીદ્યાર્થીના પરીવારજનો અને અખંડ ભારત એકતા મીશન ટ્રસ્ટનાં પ્રદેશ અધ્યક્ષે આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ તંત્ર દ્વારા જો આ અંગે તાકીદે પગલાં ભરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. મળતી વિગતો અનુસાર સંદેશર ગામની પ્રાથમીક શાળામાં ધો-૬મા અભ્યાસ કરતો ૧૧ વર્ષનો વિદ્યાર્થી સુમીતકુમાર ચંદુભાઈ તળપદાએ આજથી ચારેક દીવસ પૂર્વે શાળામાં પ્રાર્થના દરમિયાન ધાણાદાળ ખાધી હતી. જે શાળાના આચાર્ય સુરેન્દ્રભાઈ જોઈ જતાં તેઓએ પ્રાર્થના બાદ સુમીતકુમારને બોલાવી બેફામ મારમાર્યો હતો અને જોરથી ગાલ અને કાન ઉપર પથ્થડ મારવાના કારણે સુમીતના કાનમાં અસહ્ય દુઃખાવા સાથે કાન અને ગાલના ભાગે સોજો આવી ગયો હતો. જેથી સુમીતકુમારના પિતા ચંદુભાઈ તળપદા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ ગયાં હતાં અને આ બાબતે શાળાના આચાર્યને જઈને માસુમ બાળકને મારવા બાબતે ઠપકો આપ્યો હતો. આ ઘટનાની જાણ ગામના લોકોને થતાં માસુમ બાળકને બેફામ માર મારનાર આચાર્ય વીરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો છે અને આ બનાવ અંગે અખંડ ભારત એકતા મીશન ટ્રસ્ટનાં પ્રદેશ પ્રમુખ હર્ષીતકુમાર પટેલે વીદ્યાર્થી સુમીત તળપદાના પરીવારની મુલાકાત લઈ હકીકત મેળવી હતી અને તપાસ દરમીયાન શાળાના આચાર્ય સુરેન્દ્રભાઈ દ્વારા અવાર નવાર વીદ્યાર્થીઓ પર શારીરીક અને માનસીક ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું આ શાળામાં અત્યાર સુધીમાં વીદ્યાર્થીઓને માર મારવાના સાત બનાવો બનેલાં છે.