(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
વિધાનસભામાં આજે કોંગ્રેસની અધ્યક્ષ સામેની અવિશ્વાસ દરખાસ્ત જે રજૂ થઈને ગૃહના ઈતિહાસની ૧૮મી ઘટના ગણવામાં આવે છે. આ પ્રકારની વિધાનસભાના અધ્યક્ષ સામેની સૌ પ્રથમ અવિશ્વાસ દરખાસ્ત તા.૪/ર/૧૯૭૬માં રજૂ થઈ હતી. જો કે આ બધી દરખાસ્તો પૈકી એક માત્ર વખત દરખાસ્તના દિવસો અંગેની બાબતમાં થયેલી ચર્ચા સિવાય એકપણ વખત અવિશ્વાસ દરખાસ્ત ગૃહમાં ચર્ચાવા પામી નથી. જો આ વખતે ગૃહમાં આ દરખાસ્ત ઉપર ચર્ચા થશે તો તે ઐતિહાસિક ઘટના તરીકે લેવાશે.
વિધાનસભા ઈતિહાસમાં અગાઉની ૧૭ દરખાસ્તો પૈકી તત્કાલિન અધ્યક્ષ અશોક ભટ્ટ સામે તા.૧૩/૩/ર૦૦૭માં અવિશ્વાસ દરખાસ્ત અપાઈ હતી તે સમયે નિયમો મુજબ તેમાં દિવસો જળવાતા ન હોઈ તેનો મુદ્દો ઉપસ્થિત કરાતા તે બાબતમાં એક માત્ર ચર્ચા થઈ હતી અને જેમાં વિપક્ષ કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલે ચર્ચા કરી હતી તે ચર્ચા મૂળ અવિશ્વાસ દરખાસ્ત અંગેની નહતી અને તે પાછળથી રદ પણ થઈ ગઈ હતી.
અગાઉની દરખાસ્તો પૈકી એક દરખાસ્તને તો ગૃહમાં પ્રવેશ માટે સાડા ચાર મહિના સુધી રાહ જોવી પડી હતી. તે સમયે વિપક્ષના સનત મહેતાએ તા.૧/૪/૧૯૭૮ના રોજ અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયા સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી જેને તા.ર૧/૮/૧૯૭૮ના રોજ દાખલની પરવાનગી આપવામાં આવી હતી. જે પાછળથી તા.ર૪મી ઓગસ્ટે પાછી ખેંચી લેવામાં આવી હતી.