(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમ્યાન ઈવીએમ-વીવીપેટની ગરબડ સાથે ચૂંટણી સ્ટાફની ભૂલોની ફરિયાદો પણ બહાર આવી હતી. કેટલાક સ્થળો તો મતદાન શરૂ થતા અગાઉ થયેલ મોક-પોલના મતો જ ઈવીએમ-વીવીપેટમાંથી ડિલીટ કરવાના રહી ગયાની વિગતો બહાર આવી હતી. ત્યારે ચૂંટણીપંચે આ બધી બાબતોની તપાસ હાથ ધરી હતી. જેને ધ્યાને લઈ ચૂંટણીપંચે રાજયની વિધાનસભાની આઠ બેઠકોના ૧૦ મતદાન કેન્દ્રોની મતગણતરી વખતે ઈવીએમ સાથે વીવીપેટની વોટર સ્લીપની પણ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે.
વિધાનસભાની આ ચૂંટણીમાં પ્રથમવાર ઈવીએમની સાથે વીવીપેટ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું ત્યારે બંને તબક્કાના મતદાન દરમ્યાન ઈવીએમમાં ગરબડીના અને મોક-પોલના મત કંટ્રોલ યુનિટમાંથી ડિલીટ કરવાનું ભૂલી જવાના બનાવો બહાર આવ્યા હતા. જેમાં ઈવીએમની ગરબડીની તો ઘણી ફરિયાદો ઉઠી હતી. જેને પગલે લોકોમાં રોષ પણ ઉભો થવા પામ્યો હતો. બીજા તબક્કાના મતદાન દરમ્યાન કેટલાક મતદાન મથકો પર મતદાન શરૂ થયા પહેલા જે મોક હાથ ધરવામાં આવ્યું હતું. તેના પાડેલા મત કંટ્રોલ યુનિટમાંથી ડિલીટ કરવાનું ભૂલી જતા અને મતદાન શરૂ થઈ ગયાની ફરિયાદો પણ ઉઠી હતી. આ મુદ્દે ચૂંટણીપંચે તપાસ પણ હાથ ધરી હતી.
દરમ્યાન ચૂંટણીપંચે બીજા તબક્કાની આવી વિધાનસભા બેઠકના ૧૦ જેટલા મતદાન કેન્દ્રો પર મોક-પોલના મતો ડિલીટ કરવાની ફરિયાદના મુદ્દે મતગણતરી વખતે વીવીપેટના મતો ગણતરીમાં લેવાનો નિર્ણય કર્યો છે એટલે કે આ ૧૦ મતદાન કેન્દ્રોની મતગણતરી વખતે ઈવીએમની સાથે વીવીપેટથી મત સ્લીપોની ગણતરી પણ કરવામાં આવશે અને તેના આધારે જ પરિણામ જાહેર થશે. એમ પંચની એક યાદીમાં સેક્રેટરી બી.સી. પાત્રા દ્વારા જણાવાયું છે.