અમદાવાદ,તા.૧ર
કોરોના મહામારી વચ્ચે વિધાનસભાની આઠ બેઠકો ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે. જેમાં ભાજપે સાત બેઠકો ઉપર ઉમેદવાર પણ જાહેર કર્યા છે જેમાં અબડાસા બેઠક ઉપર પક્ષપલટો કરીને આવેલા પ્રદ્યુમનસિંહને ટિકિટ આપી છે. ત્યારે અબડાસા બેઠકનો ઈતિહાસ રોમાંચક રહ્યો છે. કેમ કે આ બેઠક ઉપર એકવાર ચૂંટાયેલો ઉમેદવાર બીજીવાર આ બેઠક પરથી ચૂંટણી જીતતો જ નથી.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી આવી રહી છે. આ બેઠકોમાં કોંગ્રેસને તો નવા આઠ ઉમેદવાર શોધવા પડશે, પરંતુ આઠ પૈકીની કચ્છની અબડાસા બેઠકનો ઇતિહાસ રોમાંચક છે. આ બેઠક પર જે ઉમેદવાર એકવાર ચૂંટાય છે તે બીજીવાર ચૂંટાતો જ નથી. અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહને ભાજપ ટિકિટ આપતાં તેઓ બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અબડાસાની જનતાનો મિજાજ હવે કેવો રહેશે એ મહત્ત્વનું છે. ૧૯૬૨માં કચ્છમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ૧૯૫૭થી ૧૯૯૦ સુધીની ચૂંટણીઓમાં આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે ગઢ સમાન હતી. ૧૯૯૦માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તારાચંદ છેડા કોંગ્રેસનાં નિમાબેન આચાર્યની સામે ચૂંટણી જીત્યા હતાં, પરંતુ ૧૯૯૫માં નિમાબેન આચાર્યએ ફરીથી આ બેઠક પર ઉમેદવારી કરીને ભાજપના તારાચંદ છેડાને હરાવ્યાં હતાં. ૧૯૮૯ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇબ્રાહિમ અને ૨૦૦૨માં ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા આ બેઠક જીત્યા હતા. આ સમય પછી કોંગ્રેસનાં નિમાબેન આચાર્ય પક્ષપલટો કરીને ભાજપમાં ગયા હતા અને નરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં ગયા હતા. ભાજપે ૨૦૦૭ની ચૂંટણીમાં જ્યંતી ભાનુશાલીને ટિકિટ આપી હતી અને તેઓ નરેન્દ્રસિંહ જાડેજાને હરાવી વિધાનસભામાં આવ્યા હતા. ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસના છબીલ પટેલ ચૂંટણી જીત્યા હતા. તેમણે ભાજપના જ્યંતી ભાનુશાલીને હરાવ્યા હતા.
જોકે છબીલ પટેલ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને હરાવ્યા હતા. ૨૦૧૭માં પણ ભાજપે છબીલ પટેલને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાયા છે અને પેટાચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી છે, પરંતુ ઇતિહાસ જોતાં એકના એક ઉમેદવાર આ બેઠક પર ચૂંટણી જીતતા નથી છતાં ભાજપે આ બેઠક પર પ્રદ્યુમનસિંહને જ ટિકિટ આપી છે. આ એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો નિમાબેન આચાર્ય, છબીલ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો છે અને ભાજપમાં જોડાયેલા છે.
Recent Comments