• કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત તથા ફરિયાદ કરવામાં આવી છતાં કોઈ જ પગલાં ન ભરી ભાજપને તંત્ર મદદ કરી રહ્યું હોવાનો આક્ષેપ મોડેમોડે તપાસનો આદેશ • વાયરલ વીડિયોમાં કાર્યકરો મતદારોને નાણાં આપતાં-આપતાં કહે છે ‘ભાજપને મત આપજો’

વડોદરા, તા.૩
વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન રૂપિયાની રેલમછેલ કરતો વધુ એક વીડિયો વાયરલ થતાં ચૂંટણી આચારસંહિતાના લીરેલીરા ઊડ્યા છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત તથા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં નહીં ભરવામાં આવી ભાજપને તંત્ર મદદ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગેની રજૂઆત બાદ ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા માથે આવેલી કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને ટિકિટ આપી છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસે અક્ષય પટેલના એક સમયના વિશ્વાસુ એવા કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી હોવાથી આ બેઠક ઉપર પ્રતિષ્ઠાનો જંગ મંડાયો છે. કરજણની બેઠક જીતવા માટે બંને પક્ષો દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીની આચારસંહિતાના લીરેલીરા ઊડી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. કરજણ તાલુકાના એક ગામમાં રૂપિયાની વહેંચણી કરતો વધુ એક વીડિયો વાયરલ થતાં કોંગ્રેસે આ વીડિયોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક કાર્યકરો ગામના ફળિયામાં ખુલ્લેઆમ રૂપિયા વેચતા નજરે પડે છે અને તેમાં એક કાર્યકર એમ કહેતો સંભળાય છે કે, અશોક કુમારના ૨ અને ૨ એમ ૪ તેમજ વિનુના ૨ અલગ આપ. ત્યારબાદ તેમાં રૂપિયા આપતો કાર્યકર નજરે પડે છે. વીડિયોમાં એક કાર્યકર મતદારને ૧ નંબર કમળ પર બટન દબાવવા માટે સૂચના આપતો જણાય છે. નોંધનીય છે કે, આ પહેલાં રિક્ષામાં મતદાન કરવા જતાં મતદારોને રૂપિયા આપી કમળને મત આપવા માટે અપીલ કરતાં કાર્યકરનો વીડિયો પણ જાહેર થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા તેમજ કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ શૈલેષ અમીન દ્વારા, ચૂંટણી અધિકારી સહિત તંત્રને ભાજપ દ્વારા કેશ ફોર વોટની રણનીતિ અપનાવી વોટ ખરીદવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરી આડકતરી રીતે ભાજપને મદદ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના આગેવાન સહિતના આગેવાનોએ આ વીડિયોની તાત્કાલિક તપાસ કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી છે. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા રૂપિયાની સાથે કેટલાક ગામોમાં અનાજની કિટોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જેથી ચૂંટણી પંચે આ બાબતે તટસ્થતાપૂર્વક તપાસ કરવી જોઈએ. ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકના ઈંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે કોંગે્રસે ભાજપ સામે કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસે ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઈંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે. જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા મતદાન સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં, ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસ ડિટેઈન કરીને રાખવા અમારી ફરિયાદ નોંધ કરવા કાર્યવાહી કરવી. કોંગ્રેસે આ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. જો કે, રજૂઆત બાદ ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.