(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
કેન્દ્ર સરકારના નવા કાયદા સીએએને સમર્થન આપવા તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની અનામતની મુદ્દત અંગે કેન્દ્ર દ્વારા કરાયેલ બંધારણીય સુધારાને બહાલી આપવા ગુજરાત વિધાનસભાનું આવતીકાલે તા.૧૦મીએ સત્ર યોજવામાં આવ્યું છે. એક તરફ છ રાજ્ય સહિત દેશભરમાં સીએએ વિરોધી દેખાવો થઈ રહ્યા છે, ત્યારે મળનાર આવતીકાલનું વિધાનસભાનું સત્ર તોફાની બને તેમ જણાય છે. વિધાનસભાના કાલના એક દિવસીય સત્ર બાદ બજેટ સત્રનો ર૩મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. જેમાં તા.ર૪ ફેબ્રુઆરીએ નાણામંત્રી સરકારનું બજેટ રજૂ કરશે. સત્ર અંગેની વિગતો આપતા મંત્રી જાડેજાએ જણાવ્યું કે, આવતીકાલે તા. ૧૦મીએ વિધાનસભાના સત્રની શરુઆત રાજ્યપાલના સંબોધનથી થશે. સંબોધન બાદ ૧૫ મિનિટનો વિરામ રહેશે અને ત્યારબાદ ગૃહની બેઠક મળશે. જેમાં પ્રથમ રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવની રજૂઆત કરાશે. તે બાદ બંધારણના ૧૨૬માં સુધારાને બહાલી આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં લોકસભામાં તેમજ રાજ્યોની વિધાનસભામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે બેઠકોના આરક્ષણ માટેની મુદત તા.૨૫/૦૧/૨૦૨૦ના રોજ પૂરી થાય છે. તે મુદત વધુ ૧૦ વર્ષ લંબાવવા માટેનો બંધારણીય સુધારો છે. જેને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો છે. આ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલતા પહેલાં વિધાનસભામાં તે અંગે ઠરાવ પસાર કરી બહાલી આપવી જરૂરી હોઈ આવતીકાલે તે અંગે ચર્ચા થશે.
આ ઉપરાંત સીટીઝન્સ (એમેન્ટમેન્ટ) એક્ટ, ૨૦૧૯ લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતો ગૃહ રાજ્યમંત્રીનો પ્રસ્તાવ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ સભાગૃહની બેઠકો તારીખ ૨૩ ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખવામાં આવશે. તે પણ બજેટ સત્રનો પુનઃ તા.૨૪મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ વર્ષ-૨૦૨૦-૨૧નું અંદાજપત્ર તા.૨૪મી ફેબ્રુુઆરીએ ગૃહમાં રજૂ કરશે. તા. ૩૧મી માર્ચે સત્ર સમાપ્ત થશે, તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું કે, બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા, પૂરક માંગણીઓ પર ચર્ચા, બજેટની સામાન્ય ચર્ચા અને માગણીઓ પર ચર્ચા ઉપરાંત સરકારી વિધેયકો અને સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. સત્ર દરમિયાન એકંદરે કુલ-૨૫ દિવસના કામકાજ દરમ્યાન ગૃહની ૨૭ બેઠકો મળશે. આવતીકાલે વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનું છે. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલાં સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત, સીએએ અને એબીવીપી-એનએસયુઆઇના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને સાણસામાં લેશે. જેથી વિધાનસભાનું આ સત્ર તોફાની બને તેવી પ્રબળ શક્યતા છે. વિપક્ષ વિવિધ મુદ્દે હવે સરકારને આડે હાથે લઇ રહી છે. જેમાં સીએએના કાયદા તથા બાળકોનાં મોત, ખેડૂતોના પાકવીમા સહિતના ઈશ્યુઓને લઈ કોંગ્રેસ હવે સરકારને ઘેરવા તૈયારીઓ કરી રહી છે. વિધાનસભા સત્ર અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો પર વધુ ચર્ચા કરવા માટે અધ્યક્ષ સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની વાત કરવામાં આવી હતી. જો કે શાસક પક્ષે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષની માગનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું કે જો સરકાર સત્રના દિવસોમાં વધારો કરે તો પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી શકાય.