(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે વિધાનસભાનું સત્ર બોલાવવાના મામલે સંઘર્ષ ચાલી રહ્યું છે એ દરમિયાન ત્રણ પૂર્વ કાયદા મંત્રીઓએ મિશ્રાને લખ્યો છે કે, તેઓ પોતાની બંધારણીય ફરજ પૂર્ણ કરવી જોઈએ અને જે રીતે સરકારે વિંનતી કરી છે એ મુજબ એમને વર્તન કરવું જોઈએ. આ પત્રમાં સહી કરનારાઓમાં કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ અને અશ્વિની કુમાર છે. એમણે કહ્યું કે, વિધાનસભાનું સત્ર બોલાવવામાં રાજ્યપાલ દ્વારા કરાઈ રહેલ વિલંબથી બંધારણીય કટોકટી ઊભી થશે.
એમણે કહ્યું છે કે, તેઓએ ભૂતકાળમાં કાયદા વિભાગનો હવાલો સંભાળ્યો હતો અને બંધારણના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે. એમણે કહ્યું કે, કાયદાકીય સિદ્ધાંતો મુજબ રાજ્યપાલ રાજ્યના મંત્રી મંડળની ભલામણથી વિધાનસભાનું સત્ર બોલાવવા બંધાયેલ છે.
એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતાં કહ્યું કે, કોર્ટે રાજ્યપાલની ભૂમિકા એમની ફરજોની વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. જે સુપ્રીમ કોર્ટની ૭ જજોની બેન્ચે ૧૯૭૪માં શમશેરસિંહ વિરૂદ્ધ સરકારના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું.
રાજસ્થાનના રાજ્યપાલ મિશ્રાએ સોમવારે સરકારની ફાઈલ પછી મોકલી હતી જેમાં સરકારે સત્ર બોલાવવા વિંનતી કરી હતી.
આ બીજી વખત છે જ્યારે રાજ્યપાલે ફાઈલ પરત મોકલી છે અને જેમાં કોવિડ-૧૯નો હવાલો આપ્યો છે. ફાઈલ પાછી મોકલતી વખતે રાજ ભવનમાંથી સરકાર પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે જેથી હાલ સત્ર બોલાવવાની તાત્કાલિક શક્યતા દેખાતી નથી.