વાગરા, તા.૨૨
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશને પગલે વાગરા તાલુકાના શિક્ષકો માસ સી.એલ. પર ઉતરી ગયા હતા.મોટાભાગની શાળાઓ બંધ રહેતા બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતા. જ્યારે કેટલીક શાળાઓ ખુલ્લી રહેતા બાળકો ભણ્યા ઓછું અને મજા વધારે કરી હતી. વિધાન સભા ઘેરાવમાં ભાગ લેવા જતા વાગરાના શિક્ષકોને જંબુસર ખાતે પોલીસે અટકાવ્યા હતા.
અનેક પડતર માંગોને લઇ વાગરા તાલુકાના ૩૫૩ શિક્ષકો માસ સી.એલ પર ઉતરી જતા શિક્ષણ કાર્ય અવરોધાઈ ગયુ હતું. સુશિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય શિક્ષકો કરતા હોય છે. તેઓની વિવિધ માગણીઓનો સરકારે સ્વીકાર નહીં કરતા શિક્ષકોએ માસ સી.એલનું હથિયાર ઉગામી રાજ્ય સરકાર સામે બાયો ચઢાવી હતી. આજરોજ સરકારને ભીંશમાં લેવા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ભાગ લેવા જતા વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના ૭૦ જેટલા શિક્ષકોને વહેલી સવારે પોલીસે જંબુસર ખાતે ડિટેન કરતા શિક્ષક આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ડિટેન કરેલ ક્ષિશકોને જંબુસર સર્કિટ હાઉસ લઇ જવાયા હતા.