હિંમતનગર,તા.૧૯
ગુજરાતમાં અત્યારે ખેડૂતો અને આમ પ્રજા નબળા ચોમાસાની ચિંતામાંથી મુક્ત થયા નથી ત્યાં ધારાસભ્યોના પગાર વધારાના બિલને વિધાનસભામાં બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ખેડૂતોના દેવામાફીના બિલને સત્તાધારીપક્ષના ધારાસભ્યોએ બહુમતીથી ફગાવી દીધું છે. જેથી ખેડૂતોના દેવામાફી બિલને મંજુર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે આવેલ કિસાન ક્રાંતિ ટ્રસ્ટે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
આ આવેદનપત્રમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટના અગ્રણીઓના જણાવાયા મુજબ ધારાસભ્યના પગાર વધારાનું બિલ વિધાનસભામાં એક જ ઝાટકે મંજુર કરી દેવામાં આવ્યું છે જ્યારે થોડા દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવામાફીનું બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેને ફગાવી દેવાયું છે. જો કોંગ્રેસ ખેડૂતોનો હામી બનવા માંગતી હોય તો વિધાનસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોએ જ્યાં સુધી ખેડૂતોનું દેવામાફીનું બિલ પાસ ન થાય ત્યાં સુધી પગાર વધારાના બિલને ન સ્વીકારી તેનો વિરોધ કરવો જોઈએ. જે અંગે વિજયનગરના કિસાન ક્રાંતિ ટ્રસ્ટે મામલતદારને આવેદનપત્ર આપીને તેમાં એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે, જો સરકાર ખેડૂતોના દેવામાફીના બિલને મંજુર ન કરે તો આગામી ચૂંટણીઓમાં ગુજરાતના ખેડૂતો તેમનો મત કોંગ્રેસ કે, ભાજપને આપવાને બદલે નાટાનો વિકલ્પ પસંદ કરશે.