(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
વિધાનસભામાં આજે પ્રારંભમાં જ વિપક્ષ કોંગ્રેસ અને શાસક ભાજપ વચ્ચે ગાયના નામે રાજકારણ રમાયું હતું. બન્ને પક્ષોએ ગૌવંશ અને ગૌમાંસના મુદ્દે રાજકીય આક્ષેપબાજી કરતાં ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. ચૂંટણીમાં તો ઠીક ગૃહમાં પણ ગૌમાતાના નામે રાજકારણ રમતા ભાજપ એ ગાયોની કતલ કરનારાને તમે બચાવવા માંગો છો ? તેવા કોંગ્રેસ સામે આક્ષેપો કરતાં સામે પક્ષે વળતા પ્રહાર રૂપે ભાજપને સાણસામાં લેતા જણાવ્યું હતું કે, ગાયના નામે રાજકારણ ના રમો ગાયની ચિંતા એટલી હોય તો ગૌશાળામાં ગાયો ભૂખે ના મરે. ગાયના રક્ષણ માટે કડક કાયદાની વાતો કરો છો તો છેલ્લા બે વર્ષમાં તમારા રાજમાં ૧ લાખ કિલોથી વધુ ગૌમાંસ પકડાયું તેનું શું ? તેનો મતલબ કે કડક કાયદાનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો નથી. વિધાનસભાના બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ગૌમાંસ તથા ગૌવંશ અંગેના પ્રશ્નના જવાબમાં ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ અને ભાજપ સામ-સામે આવી આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. બન્ને પક્ષો તરફથી ગાય માતાના નામે રાજકારણ રમાઈ રહ્યું હોય તેમ એક પછી એક મુદ્દા ઊભા કરી આક્ષેપો કરાઈ રહ્યા હતા. કોંગ્રેસ તરફથી ઉપરોકત સભ્યની સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાંથી પકડાયેલ એક લાખ કિલોથી વધુ ગૌમાંસના જથ્થા અંગેનો પ્રશ્ન ઊભો કરી તે માટે સરકાર કડક કાનૂનનો અમલ કરાવવામાં નિષ્ફળ રહ્યાના આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં જીવતા ઢોરો પકડી લેવાય છે ત્યારે આ ઢોર ભાજપના ચિહ્નવાળા વાહનોમાં લવાતા હોવાના આક્ષેપો કરી વાહન માલિકોના નામ જાહેર કરવા માગણી કરી હતી. આ અમારો ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કે જેઓએ ગૃહમાં થોડીક ક્ષણો પહેલાં ગૌમાંસ કે ગૌવંશ સાથે પકડાનારા આરોપીઓના નામ ગૃહમાં જાહેર કર્યા હતા. તેઓ વિપક્ષના વાહન માલિકોના નામો અંગે જવાબ આપી શકયા ન હતા. એટલે કે મંત્રી પાસે આરોપીઓના નામ હતા પરંતુ ઢોર સાથે પકડાનાર વાહનધારકોના નામ ન હોતા. વિપક્ષ નેતાએ વધુમાં ગૌશાળાઓમાં ખોરાક વિના મરી રહેલી ગાયોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ગાય માતાની ચિંતા કરતી સરકારને આ રીતે મરી રહેલી ગાયોની ચિંતા નથી. ભાજપના રાજમાં ભારત માંસ એક્ષપોર્ટમાં નંબર વન બન્યું. એક લાખ કિલોથી વધુ માંસ પકડાયું તો કડક કાયદાનો અમલ કેટલો કેવો થઈ રહ્યો છે તે અંગે સવાલો ઊભા થાય છે. જેના જવાબમાં મંત્રીએ કહ્યું કે, મને કહેતા દુઃખ થાય છે કે તમે ગાયના નામે રાજકારણ રમો છો. તમે ગાય કાપવાવાળા સાથે છો કે ગાયોને બચાવવાવાળા સાથે છો. ભાજપના ચિહ્નવાળા વાહનો રાખી ભાજપને બદનામ કરાય છે. બાકી કાયદાના કડક અમલ માટે અમારી સરકાર જેટલી રામ માટે કટિબદ્ધ છે તેટલી જ ગાય માટે પણ કટિબદ્ધ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમાં કડક કાયદાની ગુલબાંગો વચ્ચે એક લાખ કિલોગ્રામ ગૌ-માંસ પકડાયું !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨
વિધાનસભામાં આજે ગૌ-વંશનો મુદ્દો બરોબરનો ઊછળ્યો હતો. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી અપાયેલ વિગતો પરથી જ કોંગ્રેસએ ભાજપને ભીંસવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક લાખ કિલો એટલે કે, ૧૦૦ ટન જેટલો ગૌ-માંસનો જથ્થો પકડાયો છે, તેમજ આ સાથે ૩૪૬૨ ગૌ-વંશ પકડાયેલ હોવાની વિગતો સરકાર તરફથી લેખિતમાં જણાવાતા કોંગ્રેસે સરકારના કડક કાયદા સામે સવાલો ઊભા કર્યા હતા. વિધાનસભાના ચાલી રહેલ બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસના જુદા-જુદા ધારાસભ્યોએ જિલ્લાવાર ગૌ-માંસ પકડાયા અંગેના પ્રશ્નો પૂછતા તેના સરકાર તરફથી અપાયેલ લેખિત જવાબમાં મોટાપાયે ગૌ-માંસ પકડાયાની વાત બહાર આવી છે. બે વર્ષમાં રાજ્યભરમાંથી એટલે કે બધા જિલ્લામાંથી કુલ ૧,૦૦,૪૯૦ કિ.ગ્રામ ગૌ-માંસનો જથ્થો પકડાયો હતો. જેમાં એકલા સુરત જિલ્લામાંથી જ અડધોથી વધુ જથ્થો એટલે કે, ૫૫,૧૬૨ કિ.ગ્રા. ગૌ-માંસ પકડાયેલ છે, તે પછી બીજા ક્રમે અમદાવાદ જિલ્લામાંથી ૧૮,૩૪૫ કિ.ગ્રા. ગૌ-માંસનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે ગૌ-વંશ બચાવવાની કાર્યવાહી દરમિયાન રાજ્યભરમાંથી બે વર્ષમાં ૩૪૬૨ ગૌ-વંશ (ગાય, બળદ, વાછરડા, આખલા) પકડાયેલ છે. ગૌ-વંશ પકડાવવામાં સૌથી આગળ પંચમહાલ જિલ્લો છે, જ્યાંથી ૬૭૪ ગૌ-વંશ પકડાયેલ છે, તે પછીના ક્રમે દાહોદ જિલ્લો આવે છે, જ્યાંથી ૪૧૮ ગૌ-વંશ પકડાયા હતા. વિપક્ષ કોંગ્રેસે સરકાર દ્વારા લેખિતમાં અપાયેલ આ જવાબમાંથી બહાર આવેલી વિગતો ગૃહમાં રજૂ કરી તેનો મુદ્દો બનાવી શાસક પક્ષને બરોબરનો ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.