અમદાવાદ, તા.૨૮

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હજી ગઈકાલે જ કચેરીમાં માસ્ક ફરજિયાત પહેરવાની કરેલી જાહેરાતના બીજા જ દિવસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા પાંચ કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના મળતા તેમને રૂા.૫૦૦ દંડ ફટકારવામાં આવ્યો હતો અને બીજી વખત કર્મચારી માસ્ક વગરના મળશે તો તેમને રૂા.૧ હજાર દંડ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગઈકાલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ દરેક કર્મચારીઓએ માસ્ક ફરજિયાત કચેરીમાં પહેરવું પડશે તેવી જાહેરાત માઈક પર કરી હતી અને આ જાહેરાતની અમલવારીના મુદ્દે તેઓ દરેક બ્રાંચમાં જઇને માસ્ક વગરની વ્યક્તિ સામે એક્શન લીધા હતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષના આ પગલાથી દરેક વિભાગના વડાએ પણ તેમની કચેરીમાં જઇને આવી તપાસ કરવી જોઈએ તેવી પ્રેરણા આપી છે.

કોરોનાનું સંકમણ વધી રહ્યું છે તેને નાથવા માટે રાજ્ય સરકારે માસ્ક નહીં પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેના એક દિવસ પહેલા જ તેમના ત્યાં આવનાર માસ્ક નહી પહેરનાર માટે ૫૦૦ રૂપિયા દંડની જોગવાઈ કરી દીધી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભામાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું .તેઓ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના કાર્યાલય પર ગયા હતા. ઉપરાંત વિધાનસભાના સચિવ ડી એમ પટેલની કચેરીની મુલાકાત લીધી હતી.

આ અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેઓએ ગુજરાત વિધાનસભામાં માસ્કના નિયમનું પાલન થાય છે કે નહી તે જોવા માટે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૫ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના મળી આવ્યા હતા. જેમને ૫૦૦ રૂપિયા લેખે દંડ કર્યો છે. બીજી તરફ હવે વિધાનસભામાં કોઈ માસ્ક વગર બીજી વખત પકડાશે તો તેમને ૧૦૦૦ રૂપિયા દંડ અને ત્યાર બાદ અધ્યક્ષના આદેશના અનાદરની નોટિસ આપવામાં આવશે ઉપરાંત ૨ વ્યક્તિઓની તબિયત નાદુરસ્ત જણાતા તેમને નોટિસ આપી રજા પર ઉતારી દેવાયા છે.