(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
કેન્દ્ર સરકારના અત્યંત મહત્વાકાંક્ષી એવા રાષ્ટ્રીય આયુષ અભિયાનની ગુજરાત રાજયમાં કામગીરી સામે અનેક ઉણપો બહાર આવી છે. આયુષમાં ડોકટરોની નિમણૂકનો અભાવ તથા રાજયના ૩૩ જિલ્લા પૈકી આઠ જિલ્લામાં તો આયુષ હોસ્પિટલો જ ઉપલબ્ધ કરાઈ ન હોવાની ગંભીર નોંધ કેગએ લીધી છે. વિધાનસભામાં આજે રજૂ થયેલ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા એવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલમાં આયુષની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં બિન કાર્યરત વેલનેસ સેન્ટર, ઓપરેશન થિયેટરનો અભાવ, લેબોરેટરીમાં સાધનોના અભાવ, આયુર્વેદ હોસ્પિટલમાં ઔષધોના સ્ટોકનો અભાવ તથા તેમાં આયુર્વેદ ડોકટર, મેડીકલ ઓફિસર, વૈદ્ય સહિતની ચાવીરૂપ જગ્યાઓમાં કમી, તેમજ કેટલીક આયુર્વેદ ફાર્મસી લાયસન્સ વગર જ દવાઓ પુરી પાડતી હોવાનું બહાર આવ્યું છે. કેગના આજે વિધાનસભામાં રજૂ થયેલ રિપોર્ટમાં સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરી સામે અંગૂલી નિર્દેશ કરવામાં આવ્યો છે. આયુષ અભિયાન હેઠળ રાજયમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર (પીએચસી) સામૂહિક સારવાર કેન્દ્ર (સીએચસી) જિલ્લા હોસ્પિટલો વગેરેમાં મોટી સંખ્યામાં ડોકટરોનો અભાવ જોવા મળ્યો હતો. ૧૪૭૪ પીએચસીમાંથી ૯૧૧ પીએચસીમાં જ કરાર આધારિત ડોકટરને નિમણૂક અપાઈ હતી. જયારે રાજયના ૩૬૩ સીએચસી અને ર૪ જિલ્લા હોસ્પિટલોમાં તો આયુષ ડોકટરોને કોઈ જ નિમણૂક આપવામાં આવી ન હતી. આ ઉપરાંત રાજયના ૩૩ જિલ્લાઓમાંથી આઠ જિલ્લામાં તો અમુક હોસ્પિટલ જ ઉપલબ્ધ ન હોવાની નોંધ કોંગ્રેસે લીધી છે, જ્યારે નમૂનારૂપ ચકાસણી હેઠળની હોસ્પિટલોમાં સ્થાપિત કરાયેલ ૧પ વેલનેસ સેન્ટરોમાંથી સાત સેન્ટર બંધ હતા. એટલું જ નહીં કેન્દ્ર સરકાર તરફથી આયુષ અભિયાન માટે અપાયેલ ગ્રાન્ટમાંથી માત્ર પ૬ ટકાનો જ વપરાશ કરી શકાયો હતો. બાકીની રકમ વપરાઈ શકી ન હતી. બીજી તરફ સરકારી ૧પ આયુર્વેદિક હોસ્પિટલોમાંથી ૧૦મા ઓપરેશન થિયેટરની સુવિધા જ ઉપલબ્ધ ન હતી. કાં તો બિનકાર્યરત હતી. આ ઉપરાંત અમુક હોસ્પિટલોમાં લેબોરેટરીઓ, ઓપરેશન થિયેટરો અને ડાયગ્નોસ્ટિક એકમોમાં નિર્ધારિત કરાયેલ સાધનો જ ઉપલબ્ધ ન હતા. ૧પ આયુર્વેદ હોસ્પિટલોમાં રપ૧ જરૂરી દવાઓમાંથી ૧૪૮ દવાઓનો સ્ટોક જ ઉપલબ્ધ ન હતો તો કઈ રીતે સ્વસ્થ રહી શકશે ગુજરાત જેવો પ્રશ્ન થાય છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં રેસિ. મેડિકલ ઓફિસરો, નર્સો, વૈદ્ય-પંચકર્મ તથા ફાર્માસિસ્ટ જેવી ચાવીરૂપ જગ્યાઓમાં કમી જોવા મળી હતી. ૩ર આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનામાંથી પાંચમા તો મેડિકલ ઓફિસર જ ન હોવાનું ધ્યાને પડ્યું હતું, જ્યારે બે સરકારી આયુર્વેદ ફાર્મસીઓમાં ઉત્પાદન કરાયેલ દવાઓ ગુણવત્તા પરીક્ષણ કર્યા વગર જ પૂરા પાડવામાં આવતા હતા અને અમદાવાદના ઓઢવ ખાતેની કો-ઓપરેટીવ ફાર્મસી માન્ય લાયસન્સ વિના જ દવાઓ ઉત્પાદિત કરી પૂરી પાડતી હોવાનું કેગના ધ્યાનમાં આવેલ છે. સૌથી વધુ ગંભીર વાત તો એ બહાર આવી હતી કે, આયુર્વેદ-હોમિયોપેથી દવાઓના ઉત્પાદન કર્મીઓને ત્યાં નિરીક્ષણો કરવામાં ડ્રગ ઈન્સ્પેક્ટરો નિષ્ફળ રહ્યા હતા. એટલે કે, તેઓએ કોઈ નિરીક્ષણ જ કર્યું ન હતું. એટલું જ નહીં સ્ટાન્ડર્ડ ક્વોલિટી (પ્રમાણભૂત ગુણવત્તા વિનાના) દવાઓના નમૂના ચકાસણીમાં જણાયા હતા અને તે હોસ્પિટલોમાં વપરાયેલ હોવાનું પણ કેગના ધ્યાનમાં આવેલ હતું.