(એજન્સી) કોલકાતા, તા.૨૮
બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારે ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના હંગામા વચ્ચે કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગણી સાથે ઠરાવ પસાર કર્યો હતો. રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન પાર્થા ચેટરજી દ્વારા ગૃહમાં આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. ચેટરજીએ જણાવ્યું હતું કે, આ સુધારા કાયદા ખેડૂત વિરોધી અને ઉદ્યોગ ગૃહોને મદદ કરનારા છે. ઠરાવમાં જણાવાયું હતું કે, આ કાયદા હેઠળ એવી સ્થિતિ પેદા થાય છે કે, તે સરકારને કૃષિ ઉત્પાદનો ખરીદતા અટકાવે છે, જેનાથી જાહેર વિતરણ પદ્ધતિ પડી ભાંગશે અને સંગ્રહખોરી શરૂ થવા સાથે કાળા બજારને પ્રોત્સાહન મળશે. આ ઠરાવ પસાર કરવામાં આવતા ભાજપના ધારાસભ્યો વેલમાં ઘસી આવ્યા હતા. પોતાના વિધાયક દળના નેતા મનોજ ટીગ્ગાના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યો વેલમાં ઘસી આવ્યા હતા. તેમણે આ ઠરાવનો વિરોધ કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપે બળ પ્રયોગ કરી સંસદમાં આ કાયદા પસાર કર્યા હતા. તેમણે ભાજપને અનુરોધ કર્યો હતો કે, તેઓ આ કાયદા પરત ખેંચે. ભાજપ દરેક વિરોધ પ્રદર્શનને ત્રાસવાદી પ્રવૃત્તિઓ સાથે જોડી દે છે. આ કાયદા સંપૂર્ણ રીતે ખેડૂત વિરોધી છે. સંસદમાં બળ પ્રયોગ દ્વારા આ કાયદા પસાર કરવામાં આવ્યા છે. અમે ખેડૂતોને દેશદ્રોહી ચિતરવાના પ્રયાસોને સ્વીકારીશું નહીં. ભાજપના ધારાસભ્યોના વિરોધ વચ્ચે મમતાએ ઉક્ત નિવેદન આપ્યું હતું. મમતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કૃષિ કાયદા પરત ખેંચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્કીય પક્ષોની બેઠક યોજવી જોઈએ. તમે કાયદા પરત ખેંચો અથવા ખુરશી છોડી દો. તેમણે દાવો કર્યો હતો કે, દિલ્હી પોલીસે ખેડૂત પરેડને ગેરમાર્ગે દોરતાં ૨૬મી જાન્યુઆરીના રોજ સ્થિતિ વણસી હતી.
વિધાનસભામાં હંગામા વચ્ચે બંગાળ સરકારે કૃષિ કાયદા વિરૂદ્ધ ઠરાવ પસાર કર્યો

Recent Comments