અમદાવાદ,તા.ર૪

અમદાવાદના નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલ આગકાંડના બનાવની ચર્ચા કરવા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટૂંકી મુદ્દતનો પ્રશ્ન પૂછયો હતો. અધ્યક્ષ દ્વારા  આ પ્રશ્ન દાખલ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકાર આ ચર્ચાથી દુર રહી મળતિયાઓને બચાવવા માગતી હોવાથી આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો હતો. આથી ધારાસભ્ય ખેડાવાલાએ મુખ્યમંત્રીને રજૂઆત  કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે  શ્રેય હોસ્પિટલ આગકાંડની ચર્ચા અંગે અતિ મહત્વનો પ્રશ્ન હતો અને વિધાનસભા ગૃહમાં તેની ચર્ચા ખુબ જરૂરી હતી, પરંતુ સરકાર ચર્ચામાંથી ભાગવા માગતી હોઈ ખોટા બહાના બતાવી લોકશાહી ઢબે મંજૂર થયેલ પ્રશ્ન રદ કરવામાં આવેલ છે. એક બાજુ સરકાર ગુનેગારોને સજા કરવાની વાત કરે છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને અને પોતાના મળતિયાઓને બચાવવા માગે છે. સુરત ખાતે તક્ષશિલા બિલ્ડીંગમાં આગની ઘટના બનેલ આ ઘટના અંગે જવાબદાર તમામ લોકો આજે જેલમાં છે, તેવી જ રીતે શ્રેય હોસ્પિટલની ઘટનામાં પણ બનવું જોઈએ. પરંતુ તેમ થયું નથી. આથી, શ્રેય હોસ્પિટલમાં બનેલ ઘટનાની તાત્કાલિક સીબીઆઈ મારફત તપાસ કરાવી, શ્રેય હોસ્પિટલની ઘટના અંગે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થવા ખેડાવાલાએ વિનંતી કરી છે.  દરમ્યાન નાયબ મુખ્યમંત્રીએ આ પ્રશ્ન અંગે અસંમતિ દર્શાવતા જણાવ્યું  હતું કે, આ પ્રશ્ન અમદાવાદ મહાનગરપાલિકામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં બનેલ બનાવ સંદર્ભે હોઈ તથા ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧ર૦ હેઠળ કોરોના મહામારી જંગમાં ગુજરાતની નિર્ણાયક ભુમિકા અંગેનો સરકારી સંકલ્પ મુકવામાં આવેલ છે અને આ સંકલ્પમાં કોરોના મહામારી અંગે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિસ્તૃત ચર્ચા થયેલ છે. જેથી ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૯૦ (૩) અન્વયે ટૂંકી મુદ્દતનો પ્રશ્ન રદ કરવામાં આવે છે.