અમદાવાદ, તા. ૨૧
કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અડધા ધારાસભ્યો આવ્યા ન હોવાની ચિંતા કર્યા વિના ભાજપે ૧ર૭ સીટોથી શરૂ કરેલી સફર આજે નર્વસ નાઈન્ટીમાં કેમ આવી ગઈ તેની ચિંતા કરવી જોઈએ એક વિધાનસભા ગૃહમાં ભાજપના એક મંત્રીની ટિપ્પણીનો જવાબ આપતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં બુધવારે પ્રશ્નોત્તરીના સમય બાદ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરીને પ્રશ્નોત્તરી સમયમાં ટૂંકા પુરક પ્રશ્ન અને મંત્રીઓના જવાબો ટૂંકાણમાં આપવામાં આવે તો વધુ પ્રશ્નોની ચર્ચા કરી શકાય તેવી વિપક્ષની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે સંસદીય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટિપ્પણી કરી હતી કે કોંગ્રેસ તેના ધારાસભ્યોને બેંગ્લોર રિસોર્ટમાં લઈ ગઈ હતી. તેમાંથી અડધા ધારાસભ્યો અહીંયા નથી. તેમજ કોંગ્રેસે તેના ધારાસભ્યોને સંસદીય પ્રણાલીનું માર્ગદર્શન આપવા બોલાવ્યા તેમાં અડધો અડધ ધારાસભ્યો તેમાં ગયા ન હતા. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની માર્ગદર્શન શિબિરમાં કોણ હાજર રહ્યું અને કોણ ગેરહાજર રહ્યું ? તેના માથા ગણવા કરતા ભાજપે ૧ર૭ સીટોથી શરૂ કરેલી સફર આજે નર્વસ નાઈન્ટીમાં આવી ગઈ તેની ચિંતા કરે. જો કે આ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપરનો ચુકાદો ગ્રુહના અધ્યક્ષે અનામત રાખ્યો હતો.