(એજન્સી) ભોપાલ, તા. ૨૦
ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા શનિવારે શિવરાજ સરકારને મોટો આંકકો લાગ્યો છે. ગુણા જિલ્લાની રાધૌગઢ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૪માંથી ૨૦ વોર્ડ પર જીત મેળવી છે જ્યારે ભાજપને ફક્ત ચાર વોર્ડમાં વિજય પ્રાપ્ત થયો છે. આ જીત બાદ કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ છે. એટલું જ નહીં કોંગ્રેસે આ જીત સાથે ભાજપને અરીસો પણ દેખાડ્યો છે. અધ્યક્ષ પદ માટે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર આરતી શર્માએ ભાજપના માયાદેવી અગ્રવાલને ૫૦૦૦ મતો કરતા વધુ મતોથી પરાજય આપ્યો હતો. નગરપાલિકાની જીત બાદ કોંગ્રેસનું મનોબળ વધ્યું છે. બીજી તરફ મંડલામાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહના ગૃહનગર રાધૌગઢ ઉપરાંત ધાર અને બડવાનીમાં પણ સફળતા મેળવી છે. અહીંના વોર્ડ નંબર ૧૮માંથી ગાયત્રી ઓઝા, વોર્ડ ૧૯માંથી કોંગ્રેસના અનીતા નામદેવ, ૨૦માંથી કોંગ્રેસના ગીતા રાજપૂત, વોર્ડ ૨૧માંથી અમરસિંહ લોધા, વોર્ડ નંબર ૧૨માંથી કોંગ્રેસના ગુડ્ડીબાઇ મીના અને વોર્ડ નમબર ચારમાંથી કોંગ્રેસના ગૌરવ રાજપૂત જીત્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણીનો જોતા આ વખતે નગરપાલિકા ચૂંટણીઓ માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ પ્રચાર કરવા ગુના પહોંચ્યા હતા. જોકે પરિણામો પર તેની અસર જોવા મળી નથી. મુખ્યમંત્રીની સભા બાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ પણ સર્જાઇ હતી. અહીં મતદાન ૧૭મી જાન્યુઆરીએ થયું હતું જ્યારે આજે પરિણામ આવ્યા હતા.