(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૩૦
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની પ્રક્રિયામાં આજે ઉમેદવારી પત્રકો ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવા ધરપરા કર્યા હતાં. તા.ર૩ સપ્ટેમ્બરથી ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થયો હોવા છતાં સપ્તાહ દરમ્યાન કોઈએ પણ ઉમેદવારી નોંધાવી ન હતી અને આજે અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ તથા એનસીપી જ્યાં રાજકીય પક્ષો સહિતના ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ ભર્યા હતા. રાજકીય પક્ષોના ઉમેદવારો. તેમના અગ્રણી નેતાઓ સાથે શક્તિ પ્રદર્શન કરતાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
રાજ્યની વિધાનભાની ખાલી પડેલી રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી બેઠકો માટે તા.ર૧મી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાઈ રહી હોઈ તા.ર૩મી સપ્ટેમ્બરથી ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થયો હતો. જો કે તા.ર૩થી ર૭ સુધી એકપણ ઉમેદવારે કોઈપણ બેઠકમાં ઉમેદવારી નોંધાવી ન હતી. તે પછી આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોઈ ઉમેદવારોનો ઉમેદવારી પત્રકો ભરવા ધસારો રહેતાં અધિકારીઓની એકી સાથે કામગીરી વધી જવા પામી હતી.
ભાજપ-કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીમાં લાંબી કવાયત-મથામણ રહેતા છેક સુધી ઉમેદવારો ફાઈનલ જઈ શક્યા ન હતા અને ગત રાત્રીએ મોડેથી નામોની જાહેરાત કરવામાં આવી હતી એટલે આજે સવારથી ઉમેદવારોએ ઉમેદવારીપત્રકો ભરવાની કામગીરી હાથ ધરી હતી. આ વખતે તો ભાજપ કરતાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં આગળ રહી હતી. ભાજપમાં ભારે માથાઝીક બાદ ઉમેદવારો ફાઈનલ થયા હોવાનું જાણવા મળેલ છે. રાધનપુર અને બાયડ બેઠક માટે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ પેટાશૂટોને લગભગ પહેલાથી જ ફાઈનલ કરી દેવાયા હતા. બાકીની ચાર બેઠકો માટે ભારે મથામણ કરવી પડી હોઈ જાહેરાત મોડી થવા પામી હોવાનું જાણવા મળેલ છે. ભાજપમાં ઉમેદવારોના ઉમેદવારી પત્રકો ભરવા સમયે સરકારના મંત્રીઓ તથા સંગઠનના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. તો કોંગ્રેસમાંથી પણ વિપક્ષના નેતા સહિતના અગ્રણીઓ જુદી જુદી બેઠક પ્રમાણે હાજર રહ્યા હતા. એનસીપીએ પણ આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન ના થતાં તમામ છ બેઠકો માટે પોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેને પગલે અમુક બેઠકો પર ત્રિપાંખીયો જંગ થાય તો જણાય છે. ભાજપમાંથી રાધનપુરમાં અલ્પેશ ઠાકોર, બાયડમાં ધવલસિંહ જાડેજા, થરાદમાં જીવરાજ પટેલ, ખેરાલુમાં અજમલ ઠાકોર, અમરાઈવાડીમાં જગદીશ પટેલ અને લુણાવાડામાં જીગ્નેશ સેવકે ઉમેદવારી પત્રકો ભર્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી થરાદમાં ગુલાબસિંહ રાજપૂત, બાયડમાં જશુ પટેલ, અમરાઈવાડીમાં ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડામાં ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુરમાં રઘુ દેસાઈ અને ખેરાલુમાં બાબુ ઠાકોરે આજે ટેકેદારો અગ્રણીઓ સાથે ફોર્મ ભર્યા હતા.

કઈ બેઠક પર કયો ઉમેદવાર ?
બેઠકનું નામ ભાજપ કોંગ્રેસ એનસીપી
અમરાઈવાડી જગદીશ પટેલ ધર્મેન્દ્ર પટેલ વિજયકુમાર યાદવ
રાધનપુર અલ્પેશ ઠાકોર રઘુભાઈ દેસાઈ ફરશુ ગોકલાણી
બાયડ ધવલસિંહ ઝાલા જશુભાઈ પટેલ દોલતસિંહ ચૌહાણ
ખેરાલુ અજમલ ઠાકોર બાબુજી ઠાકોર પથુજી ઠાકોર
થરાદ જીવરાજ પટેલ ગુલાબસિંહ રાજપૂત પૂનમ રબારી
લુણાવાડા જીજ્ઞેશ સેવક ગુલાબસિંહ ચૌહાણ ભરત પટેલ