• કરજણ, ગઢડા, મોરબી, અબડાસા અને ધારી બેઠક માટે ઉમેદવારોની જાહેરાત • જ્યારે કપરાડા, ડાંગ અને લીંબડી બેઠક પર કોકડું ગૂંચવાતાં બાકી
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧ર
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને ભાજપે ૭ બેઠકો પર તો ગઈકાલે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. જયારે આજે કોંગ્રેસે કરજણ, ગઢડા, મોરબી, અબડાસા, ધારી એમ પાંચ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે આજરોજ આઠ બેઠકો પેકી પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં કરજણમાં કિરીટસિંહ જાડેજા, અબડાસા બેઠક પર ડો. શાંતિલાલ મેઘજીભાઈ સંઘાણી, મોરબીમાં જયંતિલાલ જયરાજભાઈ પટેલ, ગઢડા (એસસી) બેઠક પર મોહનભાઈ એસ. સોલંકી અને ધારી બેઠક પર સુરેશ એમ. કોટડિયાનો સમાવેશ થાય છે. જયારે કપરાડા, ડાંગ અને લીબડી બેઠક પર કોકડું ગુંચવાતા આ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત વિલંબમાં મુકાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ ભાજપે સાત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડામાં આત્મારામ પરમાર, મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જે.વી.કાકડિયા, કરજણમાં અક્ષય પટેલ, ડાંગમાં વિજય પટેલ તથા કપરાડા બેઠક પર જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે જયારે લીંબડી બેઠક પર હજી સુધી રહસ્ય જળવાઈ રહ્યું છે. ભાજપે ૮ બેઠકો પૈકી પાંચ બેઠકો પર કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યોને ટિકીટ આપી તેમના જ સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરતા અસંતોષ વ્યાપી ગયો છે.
Recent Comments