(એજન્સી) શિલોંગ, તા. ૩૧
નવ રાજ્યોની ૧૦ વિધાનસભા બેઠકોની મતગણતરી ગુરૂવારે થઇ હતી જેમાં બિહારની જોકીહાટ, ઝારખંડની સિલ્લી અને ગોમિયા, કેરળની ચેંગન્નૂર, ઉત્તરપ્રદેશની નૂરપુર, ઉત્તરાખંડની થરાલી, મહારાષ્ટ્ર્‌ની પાલુશ કાડેગાંવ, મેઘાલયની અંપાતી, પંજાબની શાહકોટ અને પશ્ચિમ બંગાળની મહેશતલા બેઠકનો સમાવેશ થાય છે. કર્ણાટકના રાજરાજેશ્વરીમાં ચૂંટણી દરમિયાન ઇવીએમ કામ કરતા બંધ થઇ ગયા હતા તેના પણ પરિણામ આજે જાહેર કરાયા હતા. કોંગ્રેસે મહારાષ્ટ્રની પાલુસ કાડેગાંવ, મેઘાલયની અંપાતી, કર્ણાટકની રાજરાજેશ્વરી નગર અને પંજાબની શાહકોટની બેઠકો જાળવી રાખવામાં સફળતા મેળવી હતી.જેડીયુના નીતિશ કુમારની પ્રતિષ્ઠા સમાન જોકીહાટની બેઠક પર રાજદે કબજો જમાવતા નીતિશકુમારની પ્રતિષ્ઠા ખરડાઇ હતી. સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશની નૂરપુર બેઠક જીતી હતી. પંજાબમાં અકાલી દળના નાઇબસિંહને કોંગ્રેસના હરદેવ લાડીએ ૩૮,૮૦૧ મતોથી હરાવ્યા હતા. આ રીતે શિરોમણી અકાલી દળના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું. કેરળમાં ચેંગન્નૂર બેઠક સીપીએમે જીતી લીધી હતી.