(એજન્સી) લંડન, તા.૧૨
વિન્ડીઝની ટીમ ટેસ્ટ સીરિઝ રમવા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝ ૮ જુલાઈથી શરૂ થશે. ટીમ હાલ ઓલ્ડ ટ્રેફર્ડમાં બાયો સિક્યોર સુરક્ષા સાથે ક્વોરન્ટીનમાં છે. આ જ મેદાન પર અંતિમ ૨ ટેસ્ટ મેચ રમાશે. લંકાશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના મેદાન પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. જ્યાં ખેલાડી રૂમનો દરવાજો ખોલવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરશે. કોરોનાને લીધે અહીં ખેલાડીઓની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ક્લબના ઓપરેશન્સ ડિરેક્ટર સ્ટિવ ડેવિસે કહ્યું કે,‘ખેલાડીઓ અને સ્ટાફના આવવા અગાઉથી સાફસફાઈ શરૂ થઈ. આ ટેસ્ટ પૂર્ણ થવા સુધી ચાલશે. હેલ્થ ચેકઅપ, કોવિડ-૧૯ ટેસ્ટ અને ટેમ્પરેચર ચેક કરવા મેડિકલ પ્રોફેશનલ રાખવામાં આવ્યા છે. મેચ દરમિયાન કોઈ ખેલાડી પોઝિટિવ આવે તો તેની માટે અમે આઈસોલેશન રૂમ પણ તૈયાર કર્યા છે. અહીં હેલ્થ પ્રોટોકોલ અનુસાર સુરક્ષા આપવામાં આવશે. ખેલાડીઓની સુરક્ષાને જોતા એક રૂમમાં એક જ ખેલાડીના રહેવાની વ્યવસ્થા કરાશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. ફૂડ સર્વિસ માટે ઘણા સ્થળે સ્ટોલ રહેશે જેથી ભીડ ના થાય. દરેક રૂમની ડિજિટલ ચાવી છે. તમે તેને અડ્યા વગર જ મોબાઈલથી ખોલી શકશો.