(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
સરકાર પ્રજાના પ્રશ્નોને સાંભળવા જેમ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ચલાવે છે તે જ રીતે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હવેથી દર મંગળવારે વિધાનસભા કાર્યાલયમાં જનતા દરબાર ભરશે. આ જનતા દરબારમાં કોઈપણ વ્યક્તિ કે કાર્યકર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયમાં આવી તેના પ્રશ્નો સાથે તેમને એપોઈન્મેન્ટ વિના જ મળી શકશે. આમ સરકારને સમાંતર એક ફરિયાદ નિવારણ સત્તામંડળની જેમ વિરોધ પક્ષ પ્રજાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના જનતા દરબારમાં દર મંગળવારે કોઈપણ વ્યક્તિ કે કાર્યકર તેમના પ્રશ્નોને લઈ સીધો જ તેમને મળી શકશે. આ નિર્ણયથી વિરોધ પક્ષ પ્રજાના પ્રશ્નોને સીધા જ મેળવી આક્રમકતાથી સરકાર સમક્ષ મૂકીને તેનો ઝડપી ઉકેલ લાવવાની દિશામાં કાર્યરત બનશે ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ તેની આક્રમક અને પ્રજાલક્ષી ભૂમિકા ભજવવામાં સફળ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં આ વખતે કોંગ્રેસના ૭૭ જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. જેમાં મોટાભાગના નવા ધારાસભ્યો ચૂંટાયેલા હોવાથી તેઓ આક્રમકતાથી સરકાર સામે બાંયો ચડાવી શકશે. તાજેતરમાં જ સંપન્ન થયેલી વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ એક જૂથ થઈ જે આક્રમકતાથી પ્રજાને ભીંસમાં લીધી હતી તેનાથી લોકોમાં કોંગ્રેસ તરફ વિશ્વાસ વધ્યો છે. પરેશ ધાનાણી અને તેમની ટીમે બજેટ બેઠક પૂર્વે તમામ તૈયારી કરી સરકારના ખોટા ખર્ચાઓની બાબતને ઉજાગર કરી સરકારને બચાવપક્ષે મૂકી એક અભ્યાસુ અને આક્રમક વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યા હતા.