(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
લોકસભા ચૂંટણીના સમાપ્ત થવામાં હાલ બે તબક્કાનું મતદાન બાકી છે જ્યારે ૨૩મી મેએ પરિણામ આવશે. જોકે, વિપક્ષે પહેલા જ અંદાજ લગાવી લીધો છે કે, કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાની નથી. તે માટે જ આ પાર્ટીઓએ રાજકીય સ્થિતિને લઇને અત્યારથી બેઠકો કરવાનું શરૂ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે ડાબેરીઓ હજુ પણ રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવા માટે નારાજ છે. સુપ્રીમ કોર્ટમાં ઇવીએમ સાથે વીવીપેટની સરખામણી અંગેની સુનાવણી દરમિયાન તમામ વિપક્ષો હાજર રહેવાના હતા પણ ડાબેરીઓ હાજર રહ્યા ન હતા.
સૂત્રો અનુસાર ટીડીપી નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સોમવારે રાતે દિલ્હી પહોંચ્યા હતા અને મંગળવારે તેમણે અન્ય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.વિપક્ષી પાર્ટીઓના સર્વે અનુસાર ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભરશે પરંતુ તે સરકાર બનાવવા માટે બહુમતી મેળવી શકશે નહીં. આનાથી કોઇપણ પાર્ટીને બહુમતી મળી શકશે નહીં. બીજી તરફ ભાજપ વિશ્વાસ ધરાવે છે કે તેને ગત વખત કરતા વધારે બેઠકો મળશે અને એકલા હાથે સરકાર બનાવશે. ભાજપ રાષ્ટ્રવાદ અને પીએમ મોદીના ચહેરા પર પોતાની હોડી પાર લગાવવાના પ્રયાસમાં લાગ્યો છે.