(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન, પ્રયાગરાજના હંડિયાથી વારાણસીના રાજતાલાબ સુધીના સિક્સ લેન રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન દરમિયાન સોમવારે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં ખેડૂતોને યાદ કરતાં ભાષણમાં કાશીના ખેડૂતોને અન્નદાતા કહીને બોલાવ્યા. પીએમ મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા કહ્યું કે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ થયું છે અને હવે આમ કરનારા જ દેશના ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોના સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને આધુનિક સુવિધાઓ આપવી, નાના ખેડૂતોને સંગઠિત કરીને તેમને શક્તિશાળી બનાવવા અને ખેડૂતોને મજબૂતત કરવાનો પ્રયત્ન ચાલુ છે. પાક વીમો હોય કે સિંચાઈ, બીજ હોય કે બજાર દરેક સ્તરે કામ થયું છે. ખેડૂતોના હિતમાં કરાયેલા કૃષિ સુધારા આવા જ વિકલ્પ ખેડૂતોને આપે છે. જો ખેડૂતોને કોઈ એવો ખરીદાર મળી જાય જે સીધા ખેતરમાંથી પાકને ઉઠાવે તો શું ખેડૂતોને પોતાનો પાક વેચવાની આઝાદી મળવી જોઈએ કે નહીં. સરકારના વિરોધમાં ખેડૂતોના દિલ્હી સરહદ પર થતાં આંદોલન દરમિયાન આ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, નવા કાયદાઓ જુની પદ્ધતિ પ્રમાણે કૃષિ પેદાશ વેચવા માગનારા ખેડૂતોને રોકશે નહીં. પહેલા મંડી બહાર વેચાણ થતું હતું જે ગેરકાયદે હતું અને નાના ખેડૂતો મંડી સુધી પહોંચી ના શકવાને કારણે છેતરાતા હતા. હવે ખેડૂતો છેતરામણી અને દગા વિરૂદ્ધ નવા કાયદાથી સુરક્ષિત છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી એક અલગ જ ટ્રેન્ડ દેશમાં જોવા મળી રહ્યો છે. પહેલા જો સરકારનો કોઈ નિર્ણય પસંદ ન આવે તો વિરોધ થતો હતો. પણ હવે વિરોધનો આધાર નિર્ણય નહીં પરંતુ ભ્રમ ફેલાવવામાં આવે છે. આ એ જ લોકો છે જેમણે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ કર્યું હતું. પહેલા એમએસપી તો હતું પરંતુ તેના પર ખરીદી થતી નહતી. વર્ષો સુધી એમએસપી ને લઈને છળ કરાયું.