જામનગર, તા.૨૮
જામનગરના વિભાપરના એક ખેડૂતે પોતાની તથા સંબંધીની ઓગણીસ વીઘા ઉપરાંતની જમીન રૂા. સવા ચાર કરોડમાં વેચવા ત્રણ શખ્સ સાથે સોદો કર્યા પછી તેઓની પાસેથી કબજા વગરનો સાટાખત કરાર કરાવી લેવાયો હતો. તે પછી નક્કી થયા મુજબની રકમ ન ચૂકવાતા ખેડૂતે કાવતરૂ રચી છેતરપિંડી કરવા અંગે સામેવાળાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગરના ગુલાબનગર નજીકના વિભા૫રમાં રહેતા ખેડૂત મોહનભાઈ ઠાકરસીભાઈ દોમડીયા નામના વૃદ્ધે પોતાની તેમજ મનસુખભાઈની વિભાપરમાં આવેલી ૧૯.૫ વીઘા જમીનનો રૂા. ૪,૩૬,૦૦,૦૦૦માં વેચવા માટે અમરેલીના આશિષ પટેલ, અમરેલી તાલુકાના વડીયાના તુષાર દિલીપભાઈ વેગડ, જૂનાગઢના પ્રતાપ રામભાઈ ભોગેસરા સાથે સપ્તાહ પૂર્વે સોદો કર્યો હતો. આ સમયે ઉપરોક્ત ત્રણેય શખ્સો સાથે એક અન્ય શખ્સ પણ આવ્યો હતો. તેઓએ વાતચીત કર્યા પછી તમામ રકમ રોકડેથી આપવાની છે તેમ કહી કબજા વગરનો સાટાખત કરાર કરાવ્યો હતો. તે પછી નક્કી થયા મુજબની રકમ ચૂકવી ન હતી.
જમીનના સોદામાં પોતાની સાથે ચારેય શખ્સો છેતરપિંડી, વિશ્વાસઘાત કરી રહ્યા હોવાનું જણાઈ આવતા મોહનભાઈએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં આશિષ, તુષાર, પ્રતાપ તથા એક અજાણ્યા શખ્સ સામે પૂર્વ યોજીત કાવતરૂ રચી પોતાની તેમજ મનસુખભાઈ સાથે વિશ્વાસઘાત, ઠગાઈ, છેતરપિંડી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦ હેઠળ ગુનો નોંધ્યો છે.
વિભાપરના ખેડૂત સાથે સવા ચાર કરોડની છેતરપિંડી

Recent Comments