નવી દિલ્હી,તા.૬
કોરોના વાઈરસના કારણે આ વર્ષે ટેનિસ ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડન રદ્દ કરવામાં આવી છે. હવે તે આવતા વર્ષે ૨૮ જૂનથી ૧૧ જુલાઈ દરમિયાન રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોમાનિયાની સિમોના હાલેપે આ નિર્ણયને સકારાત્મક રીતે આવકાર્યો છે. તેણે કહ્યું કે, આ મારા માટે સારું છે, કારણ કે હવે મારે આ વર્ષે પોતાનું ટાઇટલ બચાવવા માટે લડવું નહીં પડે, હવે હું બે વર્ષ સુધી ચેમ્પિયન રહીશ.
હાલેપે કોરોના વાઈરસ સામે લડવા માટે તેના દેશની હોસ્પિટલોમાં જરૂરી ઉપકરણો દાન કર્યા છે. તે હાલમાં રોમેનિયામાં કવોરન્ટીન છે. સિમોનાએ ઓનલાઈન ચેટિંગ દરમિયાન કહ્યું, વિમ્બલ્ડનનું રદ્દ થવું કરવું મારા માટે સકારાત્મક સમાચાર છે, કેમ કે હવે હું બે વર્ષ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન રહીશ.
હાલેપે ગત વર્ષે વિમ્બલ્ડન ફાઇનલમાં યુ.એસ.ની સેરેના વિલિયમ્સને સીધા સેટમાં ૬-૨, ૬-૨થી હરાવી હતી. તે તેનું પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ હતું. આ ટૂર્નામેન્ટ જીતનાર હાલેપ રોમાનિયાની પ્રથમ મહિલા ખેલાડી છે. જ્યારે, આ તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તેણે ૨૦૧૮માં ફ્રેન્ચ ઓપન જીતી હતી. તે ગયા વર્ષે યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં બહાર થઈ હતી. આ વખતે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં સ્પેનની ગેર્બીન મુગુરુઝાએ તેને ૭-૬, ૭-૫થી હરાવી હતી.