(એજન્સી) તા.૪
ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં સોમવારે થયેલા આતંકવાદી હુમલા દરમિયાન એક ઘાયલ પોલીસ અધિકારીની મદદ કર્યા પછી એક મુસ્લિમ વસાહતીને મંગળવારે હીરો તરીકે ગણાવાયો હતો. ઓસામા જોડા નામક એક ર૩ વર્ષીય પેલેસ્ટીનીએ વિયેના શહેરના કેન્દ્રમાં એક પોલીસ અધિકારીની મદદ કરવા પોતાનો જીવ જોખમમાં નાખી દીધો હતો. આ અધિકારીને આતંકવાદીઓએ ગોળી મારી ઘાયલ કરી દીધો હતો. જોડાએ દૈનિક કુરિયરને જણાવ્યું હતું કે, તેણે સ્ક્વેડેનપ્લાટ્‌ઝ ચોકમાં સ્થિત ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતા સમયે ગોળીબારના અનેક અવાજો સાંભળ્યા હતા. એક પોલીસ અધિકારીને ઘાયલ થયેલા જોયા પછી જોડાએ તેને એક કોંક્રિટ બ્લોકની પાછળ છૂપાવવામાં મદદ કરી અને ઘાયલ અધિકારીના રક્તસ્ત્રાવને રોકવાનો પ્રયત્ન કર્યો અને અન્ય પોલીસ અધિકારીઓને સાવધાન કર્યા, જ્યારે હુમલાખોરે રસ્તા પર હાજર લોકો ઉપર સતત ગોળીબાર ચાલુ રાખ્યો, ત્યારે જોડાએ ઘાયલ પોલીસ અધિકારીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવામાં મદદ કરી. વિયેના પોલીસે જોડાનો આભાર વ્યક્ત કરી તેને માનદ ચંદ્રક આપીને સન્માનિત કર્યો. ઓસ્ટ્રિયામાં થયેલા આ આઘાતજનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને ૧૭થી વધુ ઘાયલ થયા હતા. ગૃહમંત્રી કાર્લ નેહમ્મેરે કહ્યું હતું કે, હુમલાખોર જે પોલીસ દ્વારા પછીથી માર્યો ગયો હતો તે દાઈશ/આઈએસઆઈએસ આતંકી જૂથનો સહાનુભૂતિ આપનાર હતો. પોલીસ આ ર૦ વર્ષીય યુવકને જાણતી હતી. કારણ કે, ગયા વર્ષે સીરિયામાં આતંકવાદી જૂથમાં જોડાવવા માટે પ્રવાસ કરવાના પ્રયત્ન બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની યુવાન વયના કારણે ડિસેમ્બરમાં તેને જેલમાંથી મુક્ત કરી દેવાયો હતો. સ્થાનિક મીડિયાએ તેને કુજટીમ એફ તરીકે ઓળખી પાડ્યો હતો. તેની પાસે ઉત્તર મેસેડોનિયન અને ઓસ્ટ્રિયા બંને દેશોની નાગરિકતા હતી.