(સંવાદદાતા દ્વારા)
વિરમગામ, તા.૧૦
વિરમગામ શહેરના અલબદર સોસાયટીમાં કાયમી ગંદકી તથા ગટરના પ્રશ્નો હલ ન થતાં સોસાયટીના રહીશોનો નગરપાલિકા પર હલ્લાબોલ, ચીફ ઓફિસરને ગટરના પ્રશ્નો હલ કરવા રજૂઆત કરવામા આવી. વિરમગામ શહેરના અલબદર સોસાયટી તથા આજુબાજુમાં આવેલ મોહમ્મદી સોસાયટી, આયસા સોસાયટી તથા અલતાફ સોસાયટીમાં રહેતા રહેવાસીઓની હાલત વર્ષથી ઊભરાતી ગટરના પાણીથી ખરાબ થઇ ગઇ છે. લોકોના ઘરોમાં ગટરનું ગંદુ પાણી બેક મારે છે. હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાથી રોગચાળો ફેલાવાની ભીતી સેવાઇ રહી છે. જેને લઇને સોસાયટીના રહીશો દ્વારા વિરમગામ નગરપાલિકા ખાતે આ બાબતે ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી કે, કામ જલ્દીથી થઇ જશે. દિવસો વીતી ગયા છતાં ગટરના પ્રશ્નો હલ ન થતાં સોસાયટીની મહિલાઓએ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને ગટરના પ્રશ્નો હલ કરવા રજૂઆત કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે, કયારે લોકોની મુશ્કેલી દૂર થાય છે અને ક્યારે કામ કરવામાં આવે છે.